યોગાસન સ્પોર્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ તાજેતરમાં દુબઇ ખાતે ત્રીજી એશિયન યોગાસન કપનું આયોજન થયું હતું. આ યોગ સ્પર્ધામાં ભારત ઉપરાંત હોંગકોંગ, દુબઇ, ઇરાન, તાઇવાનના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
રાજકોટના સાત તેમજ કોલકાતા અને આસામના 2-2 મળી કુલ 11 ખેલાડીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાજકોટની ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના યોગગુરુ અર્જુન ઠાકરના માર્ગદર્શન હેઠળ સાતેય ખેલાડીએ 7 ગોલ્ડ, 7 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. યોગ સ્પર્ધાની ચાર ઇવેન્ટ પૈકી ગ્રૂપ ઇવેન્ટમાં રાશી મહેતા, સાચીબા ભટ્ટી, રીવા પટેલ, પરમ વાઘેલા અને મનસ્વી રવેશિયાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ટ્રેડિશ્નલ ઇવેન્ટમાં ચાંદની મહેતાએ ગોલ્ડ, યશ્વી ટાંક, પરમ વાઘેલા, રાશી મહેતાએ સિલ્વર અને મનસ્વી રવેશિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. રિધેયમિક ઇવેન્ટમાં રીવા પટેલ, મનસ્વી રવેશિયાએ સિલ્વર અને રાશી મહેતા, સાચીબા ભટ્ટીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
આર્ટિસ્ટિક સિંગલ ઇવેન્ટમાં યશ્વી ટાંક, પરમ વાઘેલાએ સિલ્વર મેડલ, મનસ્વી રવેશિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તદઉપરાંત 28 વર્ષથી ગ્રૂપ ઇવેન્ટમાં ચાંદની મહેતાએ ગોલ્ડ મેડલ મેળવી દેશની સાથે રાજકોટનું નામ રોશન કર્યું છે.