રાજકોટ શહેરમાં મામુલી વરસાદ પડતા જ રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. જેમાં કેટલાક સ્થળે વરસાદના કારણે ખાડા પડયા છે. જ્યારે મોટાભાગના સ્થળે ચોમાસાની શરૂઆતમાં જ વિકાસકામો શરૂ કરી દેવામાં આવ્યા હોવાથી ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જોકે, હાલ રસ્તા પર ખાડા ખોદવા પડે તેવા બધા વિકાસકામો પર બ્રેક લગાવી દેવામાં આવી છે.
આ સાથે જ તમામ રસ્તાઓ પર હાલ ચોમાસાનાં કારણે ડામર તો શક્ય નહીં હોવાથી મોરમ પાથરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું તેમજ ટ્રાફિક સમસ્યા હલ કરવાના તમામ પ્રયાસો કરવા તંત્ર સજ્જ હોવાનો દાવો સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કરવામાં આવ્યો છે.
નાનામૌવા રોડ પરની સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીનાં પ્રમુખ રાજુભાઈ સાવલિયાએ જણાવ્યું કે, આ રસ્તા પરથી દરરોજનાં હજારો વાહનચાલકો પસાર થાય છે, છતાં રસ્તાની હાલત અતિ બિસ્માર છે. આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે.
છતાં આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. જેને કારણે હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં ખુદ મ્યુનિસિપલ કમિશનરે પણ મુલાકાત લઈ આ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ત્યારે તાત્કાલિક આ રસ્તો ફરીથી બનાવવામાં આવે તેવી અમારી માંગ છે.