ભુજના પરા સમાન માધાપરમાં નવાવાસમાં આવેલી સરસ્વતી વિદ્યાલય ખાતે ભૂકંપ બાદ ભૂતપૂર્વ છાત્રોના ફાળાથી કલાવારસો અને સંસ્કૃતિ જાળવવા 60 લાખના ખર્ચે અનોખી પહેલ કરાઇ છે. રામચંદ્ર મારાજે ઇ.સ.1939માં ભાડાના મકાનમાં ખાનગી પ્રા. શાળા સરસ્વતી વિદ્યામંદિરની શરૂઆત કરી હતી.
ત્યારબાદ તેને પટેલ જ્ઞાતિ મંડળે હસ્તક લઇ 1950માં માધાપર સરસ્વતી વિદ્યાલયમાં તબદિલ કરી ત્યારે પ્રથમ શિક્ષક પણ રામચંદ્ર મારાજ રહ્યા હતા. માધાપર પટેલ જ્ઞાતિ મંડળ સંચાલિત આ શાળામાં 60 લાખના ખર્ચે વિકાસ કરાયો છે, જેમાં કલાવારસો જાળવી રાખતી સંસ્કૃતિના સ્ટેચ્યુ, લાઇટીંગ ફુવારા, સ્ટેજ શો, ઉપરાંત કોમ્પ્યૂટરમાં માત્ર એક જ ક્લીક કરવાથી 1950થી અત્યાર સુધીની સંસ્કૃતિઓ, ઉત્સવો સહિતના સંગ્રહો કોઇપણ જોઇ શકે છે. અહીં રૂ.100ના દાતાથી લઇને મોટા દાતાઓ મળી તમામની તકતીઓ પણ લગાડવામાં આવી હોવાનું માધાપર પટેલ જ્ઞાતિ મંડળ પ્રમુખ અને ગામના અગ્રણી જયંત માધાપરિયાએ જણાવ્યું હતું.
જૂની રમતો, કલાવારસોના અદભુત સ્ટેચ્યુ
અહીં લુપ્ત થઇ ગયેલી રમતો, પ્રેરણા આપતા તેડાંગર, છાત્રોના સ્ટેચ્યુ સાથે ભજન મંડળી, પોષાક, જૂની રમતોમાં પટ્ટારમત, ગરિયા (ભમરડો), લંગડી, ખોખો વગેરે કલાવારસોના સ્ટેચ્યુ જૂની રમતો અને કલાવારસોની યાદ તાજી કરે છે.
75 વર્ષના ઇતિહાસની અનોખી પહેલ : છાત્રો-શિક્ષકોની નામાવલી
શાળામાં 1950થી અત્યાર સુધી અભ્યાસ કરી ગયેલા છાત્રોની નામાવલી, વર્ગ શિક્ષકો, જ્ઞાતિ મંડળના સદસ્યો, દાતાઓ, સમિત્િ, કમિટી, ફોટો પ્રદર્શન, રૂ.100ના દાતાથી લઇને મોટા દાતાઓની નામાવલી સહિતની વિગતો માત્ર એક જ ક્લિકમાં કોઇ પણ જોઇ શકે છે.
બગીચામાં મંદ-મંદ ગુંજતું સંગીત શાળા સીસીટીવીથી સજ્જ
શાળાના કમ્પાઉન્ડમાં વિદેશી ડિઝાઇનથી બનાવેલા લાઇટીંગ ફુવારા, બાગ-બગીચા છે. આખા બગીચામાં સંગીત સાંભળવા મળે છે. શાળા સંકુલ સીસીટીવીથી રક્ષિત છે. અહીં શનિ-રવિ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.