Gujarat

સાવરકુંડલામાં ભવ્ય પથ સંચલન સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ૯૯મી વર્ષગાંઠ ઉજવાઈ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ૯૯મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે સાવરકુંડલા શહેરમાં ભવ્ય પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જેસર રોડ તેમજ સોસાયટીઓ પર નીકળેલા આ પથ સંચલનમાં મોટી સંખ્યામાં સંઘ કાર્યકર્તાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સંઘ કાર્યકર્તાઓએ પરમ પૂજ્ય ભગવા ધ્વજ અને ગણવેશમાં સજ્જ થઈને શહેરના માર્ગો પર શોભા વધારી હતી.
નગરવાસીઓએ પણ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાઈને ભગવા ધ્વજ પૂજન તેમજ પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતું. તેમજ સ્વયંસેવકો દ્વારા આર.એસ.એસ. ની સ્થાપના શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન વ્યવહારમાં લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં સમરસતા, સ્વદેશી, કુટુંબ પ્રબોધન પર્યાવરણ, નાગરિક શિષ્ટાચાર વિશે વાત કરવામાં આવી હતી.
 
સંઘ કાર્યકર્તાઓએ શિસ્તબદ્ધ રીતે પથ સંચલન કરીને નગરવાસીઓને દેશભક્તિની પ્રેરણા આપી હતી. આ પથ સંચલનમાં  પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાવરકુંડલાના નગરવાસીઓએ પણ આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ પથ સંચલન વિજયાદશમીના પર્વ નિમિત્તે યોજવામાં આવ્યું હતું. વિજયાદશમી હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે અને તેને વિજયનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે સંઘ કાર્યકર્તાઓ દેશની એકતા અને અખંડિતતા માટે પ્રતિજ્ઞા લે છે.
બિપીન પાંધી