ભારત સરકાર દ્વારા બાળ મૃત્યુદર ઘટાડવાના ભાગ રૂપે સમગ્ર દેશમાં બાળકનો જન્મ થાય ત્યારથી જ તેની તપાસ કરવામાં આવે તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અમલમાં છે. રાજકોટ જીલ્લામાં ૨૯ જેટલી આર.બી.એસ.કે. ટીમ કાર્યરત છે, જેમાં ટીમને જીલ્લામાં પોતાના કાર્યક્ષેત્રમાં નવા જન્મેલા બાળકો વાળા ઘરની મુલાકાત કરી, બાળકમાં કોઈ જન્મજાત ખામી છે કે કેમ ? વગેરે તપાસ કરે છે.
આર.બી.એસ.કે. ટીમ ગોંડલની ફિલ્ડ કામગીરી દરમ્યાન ૧ માસના બાળક રિયાંશગીરી અજયગીરી અપારનાથી ઘેર તપાસ કરવા પહોંચી હતી. રિયાંશની પ્રાથમિક તપાસ દરમિયાન તેના ધબકારા સામાન્ય કરતાં વધુ હતા. આર.બી.એસ.કે. ટીમ દ્વારા વાલીને રોગના નિદાન માટે હૃદયના તેમજ અન્ય રિપોર્ટ્સ, રોગના લક્ષણો નિદાન તેમજ સારવાર વિશે પ્રાથમિક જાણકારી આપવામાં આવી.
બાળકને વાલી સાથે નિદાન માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો. તપાસ પછી હૃદયમાં ખામી હોવાનું નિદાન થયું. આર.બી.એસ.કે. ટીમ અને રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની મદદથી હૃદય રોગની સારવાર માટેની યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે મંજૂરી મેળવી બાળકને દાખલ કરવામાં આવ્યો અને બાદમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. બાળકની તંદુરસ્તીને જોઈને રજા આપવામાં આવી. રિયાંશગીરીના પિતા અજયગીરીની મર્યાદિત આવક હોવાથી આ બધી જ સારવાર વિના મૂલ્ય મેળવી તેમજ બાળકનું સ્વાસ્થ્ય ખૂબ સારું થઈ જતા તેમણે ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ, અને આર.બી.એસ.કે. ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત રાજકોટની યાદીમાં જણાવાયુ છે.