Gujarat

નડિયાદની પટેલ ખડકીમાં 3 માળનું મકાન નમ્યું : રહીશોના જીવ તાળવે

નડિયાદ શહેરના છાંટિયાવાડ વિસ્તારમાં જૂનું મકાન ઉતારી નવા ચણતરની કામગીરી દરમિયાન આસપાસના ત્રણેક મકાનોને નુકસાન થયું છે.

જેમાં ચારેક વર્ષ જૂના એક મકાનમાં તિરાડો પડવાની સાથે સાથે મકાન નમી જતાં રહીશો ફફડી ઉઠ્યા હતા.

નડિયાદમાં છાંટીયાવાડની નાની પટેલ ખડકીમાં મહાદેવ મેટલ નામની દુકાન અને ઉપાર બે માળનું રહેણાંક મકાન આવેલું છે. આ મકાનમાં શુક્રવારે એકાએક ચારે બાજુ તિરાડ પડ્યા બાદ મકાન નમી ગયું હતું.

મકાનના સ્ટ્રકચરને નુકશાન થતાં અને નમી પડતાં પાલિકાની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને સત્વરે મકાનને ઉતારી લેવા માટેની સૂચના મકાન માલિકને આપી હતી. તપાસ દરમિયાન જે મકાન નમી ગયું છે, તેની બાજુમાં એક જ દિવાલ ધરાવતું બીજું મકાન હતું.

આ મકાનના માલિક દ્વારા પોતાનું મકાન ઉતારી લેવામાં આવ્યું હતું. બંને મકાનની દીવાલ અડીને આવેલી હતી. હાલમાં નવું મકાન બનાવવાની કામગીરી દરમિયાન પાયા ખોદાયા હતા. જોકે, શુક્રવારે એકાએક બાજુના મકાનોમાં તિરાડ પડીને સ્ટ્રક્ચર નમી જતાં ભારે નુકસાન થયું છે.