ગતરોજ થયેલ ભારે વરસાદને લઇને ભુંડવા ખાડીમાં આવેલ પુર દરમિયાન વૃધ્ધનો પગ લપસી જતા દુર્ઘટના સર્જાઇ
સ્થાનિક તરવૈયાઓની મદદથી વૃધ્ધને શોધવા છતાં ભાળ ન મળતા પોલીસ દ્વારા ફાયર ફાઇટરોની મદદથી વૃધ્ધની શોધ કરવા કવાયત હાથ ધરાઇ
છેલ્લા બે દિવસ દરમિયાન થયેલ ભારે વરસાદને લઇને ઠેરઠેર નદીનાળા છલકાયા છે,ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નાની ખાડીઓમાં પણ પાણીનું વહેણ વધવા સાથે પુરની સ્થિતિ સર્જાઇ હતી. ગતરોજ રાજપારડી અવિધા નજીકથી વહેતી ભુંડવા ખાડીમાં પણ પુરની સ્થિતિ સર્જાઇ હતી. આ દરમિયાન અવિધા ગામના કોઠી ફળિયામાં રહેતા ૬૦ વર્ષીય નરસિંહભાઇ જગાભાઇ સોલંકી ગતરોજ સાંજના છ વાગ્યાના અરસામાં દાતરડું લઇને ઘાસ કાપવા ગયેલ હતા અને ભુંડવા ખાડીમાં આવેલ પાણીના પ્રવાહમાંથી પસાર થતા હતા ત્યારે તે દરમિયાન તેમનો પગ લપસી જતા ખાડીના પાણીના પ્રવાહમાં તણાઇ ગયા હતા. આ બાબતની જાણ તેમના પુત્ર હિતેશભાઇ સોલંકીને થતા તેઓ તરત ખાડીમાં ગુમ થયેલ તેમના પિતાને શોધવા ભુંડવા ખાડી તરફ ગયા હતા.
ખાડીમાં ગુમ થયેલ નરસિંહભાઇની કોઇ ભાળ ન મળતા હિતેશે રાજપારડી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા રાજપારડી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી ખાડીમાં ગુમ થયેલ વૃધ્ધ નરસિંહભાઇની શોધખોળ આરંભી હતી,પરંતું ખાડીમાં આવેલ પુરના પાણીમાં ગુમ થયેલ નરસિંહભાઇનો કોઇ પત્તો મળ્યો નહતો. અવિધા બીટના જમાદાર વિનોદભાઇ રોહિતનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવેલ કે પોલીસ દ્વારા ફાયર ફાઇટરોની મદદ લઇને ખાડીમાં ગુમ થનાર વૃધ્ધ નરસિંહભાઇની શોધ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે તાલુકામાં તેમજ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઇને તાલુકાની ખાડીઓમાં પુરગ્રસ્ત પરિસ્થિતિ સર્જાઇ છે,સ્થાનિક પોલીસ દ્વારા લોકોને ખાડીઓ તરફ ન જવા અનુરોધ કરવામાં આવ્યો છે,જેથી સંભવિત દુર્ઘટનાઓ રોકી શકાય. વધુમાં મળતી વિગતો મુજબ ધોલી ડેમ પણ સો ટકા હાઇએલર્ટ સ્ટેજ થવાની સંભાવના હોઇ માધુમતી ખાડીમાં પાણીનો પ્રવાહ વધી શકે તેમ હોઇ તંત્ર દ્વારા માધુમતી ખાડીના કિનારાના ગામોના લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.