Gujarat

થર્મલ પાવર સ્ટેશન પાસેની ગટરમાં મગરનું બચ્ચું દેખાયું

થર્મલ પાવર સ્ટેશનના સુપર માર્કેટ યાર્ડ ની બાજુમાં આવેલી ગટરમાં એક નાનો મગર જોવા મળ્યો હતો. જે બાદ સ્થાનિક દ્વારા વન વિભાગને જાણ કરી અને રેસ્કયુ માટે એનજીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં મગરના રેસ્ક્યુ દરમ્યાન માર્ગ પર વાહનોને રોકી દેવામાં આવ્યા હતા. ત્યારે મગરને જોવા માટે લોકો દોડી આવ્યા હતા.

ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશનના સુપર માર્કેટ યાર્ડ ની બાજુમાં પાણીની ગટર આવેલી છે. જેમાં એક મગરનું બચ્ચું તણાઈ આવ્યું હતું. જેમાં ત્યાંના એક જાગૃત નાગરિક દ્વારા ગળતેશ્વર તાલુકાના વનપાલ અમિતાબેન ઝાલા ને ફોન કરી આ બાબતે જાણ કરી હતી.

ત્યારબાદ વનપાલ અમિતાબેન ઝાલા એન જી ઓને સંપર્ક કરીને જાણ કરવામાં આવી હતી. જે બાદ એન જી ઓ ના સ્વયંસેવકો સ્થળ પર દોડી આવ્યા હતા. જે બાદ ગટર માંથી મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુ દરમ્યાન માર્ગ પર વાહનો રોકી દેવામાં આવ્યા હતા.

ત્યારે મગર આવ્યો હોવાની જાણ થતા ગ્રામજનો જોવા માટે દોડી આવ્યા હતા. જેમાં મગરને રેસ્ક્યુ કર્યા બાદ મગરની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ આ મગરના બચ્ચાને માનવ વસવાટ થી દૂર નદીમાં છોડી મુકવામાં આવ્યો હતો.