ખેડા જિલ્લામાં થર્ટી ફસ્ટ પહેલા જંગી માત્રામાં વિદેશી દારૂ પોલીસના હાથે લાગ્યો છે. ડાકોર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અમદાવાદની સાયબર ક્રાઇમ પોલીસ અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સંયુક્ત દરોડો પાડી રૂપિયા 14.30 લાખનો દારૂ સાથે બુટલેગરને પકડી લેવામાં આવ્યો છે. આ બનાવ મામલે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસના માણસો અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસોએ ગતરાત્રે ઠાસરા તાલુકાના રાણીયા ગામે એસકે કેનાલ પાસે રહેતો બુટલેગર સીરાજ ઉર્ફે લખોટી મહેમુદમીયા શેખના ઘરે છાપો માર્યો હતો. પોલીસને બાતમીદારોથી બાતમી મળી હતી કે, આ સીરાજ ઉર્ફે લખોટીના ઘરે વિપુલ માત્રામાં વિદેશી દારૂ સંતાડાયો છે.
જેના આધારે છાપો મારતા આ સીરાજ ઉર્ફે લખોટી તેના ઘરેથી હાજર મળી આવ્યો હતો અને ઘરમા તલાસી લેતા ઘરમાંથી 298 પુઠાના બોક્ષમાં 14,304 બોટલો કુલ કિંમત રૂપિયા 14 લાખ 30 હજાર 400 વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો ક્યાથી લાવવામાં આવ્યો તે બાબતે પુછતા આ દારૂનો જથ્થો ગોવાથી લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કુલ રૂપિયા 14 લાખ 33 હજાર 400ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.