Gujarat

સાવરકુંડલા તાલુકાના શ્રી ધજડી પ્રાથમિક શાળામાં બાળમેળાની ઉજવણી કરવામાં આવી 

સાવરકુંડલા તાલુકાની શ્રી ધજડી પ્રાથમિક શાળામાં તારીખ ૨૭/૦૭/૨૦૨૪ ને શનિવારનાં રોજ બાળમેળાની ઉજવણી કરવામાં આવી. બાળ મેળાની શરૂઆત માતા સરસ્વતીની પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.તેમાં એસ.એમ.સી. અધ્યક્ષ તેમજ એસ.એમ.સી.સભ્યો,ગ્રામજનો તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેર જોડાયા હતા.
બાળમેળા ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વિવિધ આનંદમય પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે. વિદ્યાર્થીઓમાં સહકાર, નેતૃત્વ, લોકશાહીની ભાવના, સાહસિકતા વગેરેની ખેલવણી થાય તેમજ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે, વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય અને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે, વિદ્યાર્થીઓની મનો સામાજિક માવજત થાય તે હેતુથી સરસ મજાના  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળવાર્તા, બાળવાર્તા આધારિત નાટકો, માટીકામ, છાપકામ, કાતરકામ, ચિત્રકામ, ઘડીકામ, રંગપુરણી, કાગળકામ બાળરમતો, એક મિનિટ પઝલ, હાસ્ય દરબાર, ગીત-સંગીત-અભિનય, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા, વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવી અને નેતૃત્વની ભાવના પણ જોવા મળી હતી.આમ સ્પર્ધાને અંતે પ્રથમ,દ્વિતીય,તૃતીય ક્રમાંક મેળવનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્ય રવજીભાઇ બગડા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
બિપીન પાંધી