પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો
*સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ અને છેવાડાના માનવી સુધી લાભ પહોંચવો જોઈએ:-કલેકટર અરવિંદ વિજયન*
*સુશાસન માટે તાલીમ, જાણકારી, ટેકનોલોજી, ત્વરિત સેવા અને પારદર્શિતા અપનાવવી જોઈએ:- પૂર્વ કલેકટર જે.જી હિંગરાજીયા*
જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં આજરોજ ક્લેક્ટર કચેરી, કોન્ફરન્સ હોલ ખાતે સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાના Good Governance practices/initiatives અંગેનો વર્કશોપ યોજાઇ ગયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લાના પૂર્વ કલેકટર જે.જી હિંગરાજીયા ઉપસ્થિત રહ્યા હતા. સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય અને છેવાડાના માનવીઓ સુધી યોજનાનો લાભ પહોંચે એવા સૂચન સાથે જિલ્લા કલેકટર અરવિંદ વિજયને વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લામાં તા. ૧૯ ડિસેમ્બર થી ૨૪ ડિસેમ્બર દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવાની નેમ સાથે દરેક વિભાગના એક્શન પ્લાનની ચર્ચા અને તેના અમલીકરણ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર અરવિંદ વિજયને સુશાસન સપ્તાહની ઉજવણી જેની યાદમાં કરવામાં આવે છે એવા પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન વિજેતા અટલ બિહારી વાજપેયીના રાજકીય સફર તેમના ઉન્નત ભારતના આદર્શો સાથે મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સિદ્ધાંતોને વહીવટમાં અપનાવી સુશાસન સપ્તાહની ઉજવણીને સાર્થક બનાવવા અપીલ કરી હતી. સુશાસન થકી લોકોની સુખાકારીમાં વધારો થાય એવા લોકાભિમુખ વહીવટ સાથે લાભાર્થી કોણ છે? એ પ્રશ્ન પર શાસનનો નિર્ણય હકારાત્મક અભિગમ સાથે લેવાય એવો અનુરોધ કર્યો હતો. લોકો વહીવટી તંત્ર પાસે કોઈ ફરિયાદ લઈ ન આવે ત્યારે સુશાસનની ઉજવણી સાર્થક થઈ ગણાશે એમ જણાવી જિલ્લા કલેકટર અરવિંદ વિજયને યોજનાઓના અસરકારક અમલીકરણ અને જરૂરિયાત મંદ કોઈ લાભાર્થી વંચિત ન રહી જાય એ બાબત પર ભાર મૂક્યો હતો. વધુમાં કલેકટર એ સાહિત્ય બનાવવું, સિટીઝન ચાર્ટ અપડેટ કરવા, અને જે તે વિભાગની સારી કામગીરીને સોશિયલ મીડિયામાં પ્રસાર પ્રચાર કરવાની સાથે અધિકારી/ કર્મચારીને એપ્રેસિયેશન, પરફોર્મ્સ કે બેસ્ટ પ્રેક્ટ્રીસિયસ થી સન્માનિત કરવા અપીલ કરી હતી.
વર્કશોપના મુખ્ય મહેમાન અને પાટણ જિલ્લાના પૂર્વ કલેકટર જે.જી હિંગરાજીયાએ કહ્યું કે સરકારી યોજનાનો અમલ યોગ્ય રીતે થાય એ માટે સરકાર કટિબદ્ધ છે. છેવાડાના લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય એ પ્રાથમિકતા હોવી જોઈએ. લોકોને માધ્યમ રાખીને સરકારી યોજના લોકો સુધી કેવી રીતે પહોંચે એ માટેની સરળ કાર્ય પદ્ધતિ અપનાવવા સાથે તેમણે અધિકારીઓ કર્મચારીઓ માટે તાલીમ, જાણકારી, ટેકનોલોજીનો ઉપયોગ, નિયમ પ્રમાણે અમલીકરણ અને ત્વરિત સેવા તેમજ નિયત સમય મર્યાદામાં પારદર્શિતા સાથે લોકોને લાભ પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
આ વર્કશોપ અંતર્ગત આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, શિક્ષણ ખાતું, આત્મા પ્રોજેક્ટ, વન વિભાગ સહિતના સરકારી વિભાગો દ્વારા પાવર પ્રેઝન્ટેશન દ્વારા સ્ટ્રેટેજિક એક્શન પ્લાન રજૂ કરી સુશાસન સપ્તાહની ઉજવણી દરમિયાનનો કામગીરી અહેવાલ રજૂ કરાયો હતો. વર્કશોપમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર , નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, રાધનપુર ધારાસભ્ય લવીંગજી ઠાકોર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પાટણના સદસ્યઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.