જામગનરમાં પટેલકોલોનીમાં આવેલી દુકાનમાં મેંગો કેન્ડીમાં જીવાતની ફરિયાદના પગલે ફુડશાખાએ ચેકીંગ કરી ગંદકી સબબ રૂ.10000નો દંડ ફટકારી કેન્ડીના નમૂના પૃથ્થકરણ માટે મોકલ્યા છે. ગોકુલનગરના ગોલા પાર્લરમાંથી નમૂના લઇ લેબોરેટરીમાં મોકલાયા છે.
શહેરમાં પટેલકોલોની શેરી નં.9 માં આવેલી દુકાનમાં મેંગો કેન્ડીમાં જીવાતની ફરિયાદના પગલે ગુરૂવારે ફુડશાખાએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં મેન્યુફેકચરીંગ દરમ્યાન જીવાતના પગલે કેન્ડીના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
દુકાનમાં સ્વચ્છતાનો અભાવ હોય પેઢીને રૂ.10000નો દંડ ફટકારાયો છે. જયારે મેન્યુફેકચરીંગ યુનિટમાં પણ જાણ કરવામાં આવી છે. બીજીબાજુ શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં હરિયા કોલેજ રોડ પર આવેલા હિતુલાલ રજવાડી ગોલા અને આઈસ્ક્રીમ પાર્લરમાં આઈસ્ક્રીમ તેમજ ગોલા બાબતે નાગરિકની ફરિયાદ મળી હોવાના કારણે ફૂડ શાખાએ દરોડો પાડ્યો હતો.
ત્યાંથી ઓરેન્જ આઈસ ગોલાના સેમ્પલો લેવાયા છે, તે ઉપરાંત બ્રાઉનની નટ આઈસ્ક્રીમના પણ સેમ્પલ લઈ વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેના પૃથ્થકરણના રિપોર્ટ આવી ગયા પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.