Gujarat

સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ અને વોડાફોન આઈડિયાના સંયુક્ત ઉપક્રમે મહિલા અધ્યાપન મંદિર ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો

ગ્રાહક જાગૃતિ સંદર્ભે સંયુકત ઉપક્રમે અનોખો પ્રયાસ 
સાવરકુંડલા શહેરમાં આજરોજ વોડાફોન આઈડિયા અને સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના સંયુક્ત ઉપક્રમે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો. સેમિનારનો પ્રારંભ અધ્યાપન મંદિરનાં વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોની પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
આ પ્રસંગે વોડાફોન આઈડિયાના પુનિતભાઈ રાવળ સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા મોબાઇલના યોગ્ય ઉપયોગ તેમજ સાંપ્રત સમયમાં ડીઝીટલ યુગમાં સેલ્યુલર ફોનનું મહત્ત્વ તેમજ મોબાઇલનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં જેવી મહત્વની બાબતોની જાણકારી આપી હતી. સાયબર ફ્રોડથી બચવા માટે કેવી સાવધાની રાખવી? એ વિશે વિસ્તૃત સમજણ અને માહિતી આપવામાં આવી હતી.
ખાસકરીને વોડાફોન આઈડિયાના કૌશલભાઈ દ્વારા આ સંદર્ભે ખૂબજ વિસ્તારથી મોબાઇલના ઉપયોગ સંબંધિત વિસ્તૃત માહિતી ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી દ્વારા પણ લોક જાગૃતિ એ જ તમામ સમસ્યાઓનો હલ છે એમ જણાવી લોકોને પણ પોતાના આવા પ્રશ્નોના નિરાકરણ માટે ખુદ સ્વયં આગળ આવી યોગ્ય પ્લેટફોર્મ પર ફરિયાદ નોંધાવવા તૈયાર રહેવું પડશે. તેવી માર્મિક ટકોર પણ કરી હતી.
તો ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના સક્રિય સભ્ય તરીકે ગ્રાહક જાગૃતિ અભિયાન સંદર્ભે બિપીનભાઈ પાંધી દ્વારા પણ આ ડીઝીટલ યુગમાં મોબાઈલનો નિરક્ષીરનો તફાવત સમજી વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સમજણ આપી આ માહિતીના વિસ્ફોટમાં મોબાઇલનો ઉપયોગ શાંતચિત્તે અને સ્વસ્થ મને જ કરવો જોઈએ. રાત્રે ઊંઘતી વખતે મોબાઈલનો ઉપયોગ શક્ય હોય તો ટાળવો જોઈએ કારણ કે ઘણી વખત ઉંઘમાં આંખો મીંચાતા એટલે કે ઝોંકું આવતાં કોઈ અયોગ્ય સ્થાને ક્લીક કે મેસેજ કે  કોલ ફોરવર્ડ ન થાય તેની પણ કાળજી રાખવી જોઈએ.  સેમિનારના અંતે આ  મહિલા અધ્યાપન મંદિરની વિદ્યાર્થીનીઓને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે સવાલ જવાબનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
અને મૂંઝવતા પ્રશ્નોના યોગ્ય જવાબ પણ વકતાઓ દ્વારા આપવામાં આવેલ.આ ઉપરાંત સેમિનાર દરમિયાન વકતાઓ દ્વારા પૂછવામાં આવેલ સવાલના યોગ્ય અને સાચા  જવાબ આપનાર તમામને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયોગ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા અધ્યાપન મંદિરના આચાર્ય બાબુભાઈ ચાવડા, અધ્યાપક ડો. રવિભાઈ મહેતા અને ભાવેશભાઈ સમેત તમામ કર્મચારીગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રવિભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ. આ તકે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર સેમિનાર ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળ રહ્યો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા