Gujarat

રાજકોટના શખ્સે કાલાવડના ધુનધોરાજી ગામમાં રહેતી પ્રેમિકાના ઘરે આવી માથાકૂટ કરી છરી ચલાવી, યુવક સામે ફરિયાદ

કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામે પ્રેમસંબંધના પ્રશ્ન યુવતીના પિતાના ઘરે રાજકોટના શખ્સે ધસી જઈ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપી, ઉપરાંત તેઓના પરિવારના એક વ્યકિત પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડવા સબબ ફરિયાદ નોંધાવાતા સ્થાનિક પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી આરંભી હતી.

પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામે રહેતાં ફરિયાદીની દીકરીને રાજકોટના નાના મવા ખાતે રહેતાં પાર્થ પંકજભાઈ ભોજાણી નામના શખ્સ સાથે પ્રેમસંબંધ હોય અને તેણી સાથે લગ્ન કરવા માગતો હોય, પરંતુ આ શખ્સ કોઈ કામધંધો કરતો ન હોય, જેથી ફરિયાદીએ તેઓની દીકરીના લગ્ન કરવાની ના પાડી હતી.

ત્યારબાદ પાર્થ નામનો આ શખ્સ સફેદ કલરની ગાડી લઈ ધુનધોરાજી ખાતે ફરિયાદીના ગામમાં ગયો હતો અને તેઓને તથા પરિવારના સભ્યોને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી, ઉપરાંત પોતાની સાથે રાખેલ છરીથી એક વ્યકિતને ઈજા પહોંચાડી ત્યાંથી નાશી ગયો હતો. આ બનાવ અંગે ફરિયાદીએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે પાર્થ ભોજાણી સામે ફરિયાદ નોંધાવતા એએસઆઈ જી.આઈ. જેઠવા આગળની તપાસ ચલાવી રહ્યા છે.