સરકારના પ્રયાસો પરિણામલક્ષી છે, આપણી જવાબદારી છેવાડાના માનવીને બહેતર સુવિધા આપવાનો છે – સાંસદ ગીતાબેન રાઠવા
પ્રજાજનોની સુખાકારીને કેન્દ્રસ્થાને રાખવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા
છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે દિશા મોનિટરીંગ સમિતિને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસ, લોકકલ્યાણના કાર્યો, લોકોના પ્રશ્નોનું નિવારણ કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ, પ્રતિનિધિઓને માર્ગદર્શિત કરી રચનાત્મક સૂચનો કર્યા હતા.
સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું કે, સરકારના પ્રયાસો પરિણામલક્ષી છે, વહિવટી તંત્રની જવાબદારી છેવાડાના માનવીને વધુમાં વધુ બહેતર સુવિધાઓ આપવાની છે. શ્રીમતી રાઠવાએ બેઠકમાં વહિવટી તંત્રના તમામ વિભાગો દ્વારા જનહિતમાં કરવામાં આવેલી કામગીરીની ઝીણવટપૂર્ણ સમીક્ષા કરીને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. વધુમાં તેઓએ જિલ્લામાં સારી કામગીરી કરનાર વિભાગોની સરાહના કરીને પ્રોત્સાહિત કર્યા હતા.
સાંસદ ગીતાબેન રાઠવાએ બાળકોનું પોષણ સ્તર જળવાય તે માટે આઈ. સી. ડી. એસ. વિભાગની દૂધ સંજીવની યોજનાનો લાભ બાળકોને નિયમિત મળે તેમજ આંગણવાડીના મકાન બાંધકામ પર ચર્ચા કરી હતી.
દિશા સમિતિના ઉપાધ્યક્ષ નારણભાઈ રાઠવાએ નલ સે જલ યોજનાનો લાભ છેવાડાના અંતિમ માનવી સુધી પહોંચાડવાનું અધિકારીઓને સુચન કરીને તમામ હેડપંપની સર્વિસિંગ કરવા સહિત લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સક્રીય કામગીરી કરવા માટે તંત્રને જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ જિલ્લાના અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપીને પ્રજાના પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખી ત્વરિત નિકાલ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે દિશા કમિટિના અધ્યક્ષ ગીતાબહેન રાઠવા, ઉપાધ્યક્ષ નારણ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન , જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, જિલ્લા વિકાસ એજન્સી નિયામક કે.ડી.ભગત,તાલુકા પંચાયત પ્રમુખો, સરપંચ, વિવિધ વિભાગોના પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

