નિરોગી બાળ-નિરોગી સમાજનું સૂત્ર સાચા અર્થમાં સાર્થક કરવા નડિયાદના વાલ્લા પ્રાથમિક શાળાએ આગેકૂચ કરી છે. વિદ્યાર્થીઓની આરોગ્ય સુખાકારીનો નવતર પ્રયોગ આ શાળા દ્વારા કરવામાં આવ્યું છે. ‘જો ફીટ – વો હીટ’ અંતગર્ત શાળાના તમામ 183 વિદ્યાર્થીઓને 8 દિવસ સુધી જીવનામૃત રસનુ સેવન કરવામાં આવ્યું છે. જીવનામૃત રસ, પંચામૃત રસ, તુલસી રસ ,આથેલાં આમળાં અને ચ્યવનપ્રાશનું સેવન કરાવાયું છે.

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓના શારિરીક અને માનસિક આરોગ્ય માટેના નવતર પ્રયોગથી રાજ્યભરમાં જાણીતી બની છે. શહેરી વિસ્તારના માતા-પિતા શિયાળાની કાતિલ ઠંડીમાં પોતાના બાળકોને શક્તિવર્ધક એવા વિવિધ પાક, ચ્યવનપ્રાશ વગેરે ખવડાવે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ સંભાવના ખૂબ ઓછી છે. તે સમયે શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ છેલ્લા 10 વર્ષથી આ પ્રેરક પ્રવૃત્તિ સ્વખર્ચે જાતે કરી રહ્યા છે. ‘જો ફીટ-વો હીટ’ નામે નવતર પ્રયોગ હેઠળ શાળાના તમામ 183 વિદ્યાર્થીઓને સતત આઠ દિવસ સુધી જીવનામૃત રસ, પંચામૃત રસ, તુલસી રસ, આથેલાં આમળાં અને ચ્યવનપ્રાશનું સેવન કરાવાયું છે.

જેમાં જીવનામૃત રસમાં આમળાં,લીલી હળદર,તુલસી,ફુદિનો અને આદુ છે,પંચામૃત રસમાં ગાજર,બીટ, ટામેટાં,આદુ અને લીંબુ છે,તુલસી રસમાં તુલસી પાન,આદુ,સાકર, લીંબુ અને સંચળનો સમાવેશ થાય છે.બાળક જો શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેશે,તો શાળામાં નિયમિત હાજર રહેશે અને તે નિયમિત હોવાથી અભ્યાસમાં પણ આગળ વધતો રહેશે. તન-મનની તંદુરસ્તી જીવનમાં પ્રગતિ અને સફળતા અપાવે છે.આવા ઉમદા વિચાર સાથે શાળામાં ‘જો ફીટ -વો હીટ’ નામે નવતર પ્રયોગ થયો. જેમાં હિતેશકુમાર બ્રહ્મભટ્ટે જાતે તૈયાર કરી આ આયુર્વેદિક રસનું વિદ્યાર્થીઓને સેવન કરાવ્યું, સાથે આથેલાં આમળાં અને ચ્યવનપ્રાશ પણ આપેલ છે.

શિયાળામાં આ વસ્તુઓનું સેવન ખૂબ ગુણકારી છે.તેનાથી કફ, ઉધરસ, આફરો,કબજિયાત,પેટના દર્દો,કોલેરા,દમ,મૂત્ર પીડા,ચર્મ રોગ,રક્ત વિકાર,કરમિયા , હ્રદયની નબળાઈ અને હાઈ બ્લડ પ્રેશર મટે છે.પાચનતંત્રને સુધારી ભૂખ ઉઘાડે છે.રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ઉપરાંત યાદ શક્તિ અને બુદ્ધિવર્ધક પણ છે. શરીરને શક્તિમાન તથા ઉર્જાવાન બનાવે છે. વિદ્યાર્થીઓની આરોગ્ય સુખાકારીના આ પ્રેરક પ્રયોગમાં મધુવન ફાર્મ વાલ્લાના સંદિપભાઈ પટેલે આમળાંની સેવા કરી છે.
શાળાના આચાર્ય જયપાલસિંહ ઝાલા અને નયનાબેન બ્રહ્મભટ્ટે ભારે જહેમત ઉઠાવી છે, તો સાથે જાગૃતિબેન સાગર,સેજલબેન પંડ્યા,હેમાંગિનીબેન પટેલ,નિર્મલભાઈ પટેલ, નિલેશભાઈ ઝાપડિયા અને સંગીત શિક્ષક કલ્પેશભાઈ વાઘેલા પણ ખૂબ સહયોગી બન્યા છે. આ પ્રસંગે હાથજના સી આર સી કુલદિપસિંહ રાજ પણ પ્રોત્સાહન અર્થે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.






