Gujarat

ધોરાજી તાલુકાના છાડવાવદર કાગળ પર ધમધમતી શાળાનો પર્દાફાશ

DEOએ કહ્યું- ત્રણ મહિનાથી શાળા બંધ, ગામલોકો બોલ્યા- ‘અમે 10 વર્ષથી શાળામાં કોઈ વિદ્યાર્થીને નથી જોયા’
   
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદરમાં કાગળ પર ધમધમતી ગ્રાન્ટેડ શાળાનો પર્દાફાશ થયો છે. ગામલોકોની ફરિયાદ બાદ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે તપાસ કરતા શાળામાં છેલ્લા ત્રણ મહિનાથી કોઈ વિદ્યાર્થી આવ્યો જ ન હોવાનું અને શાળા બંધ હોવાનું સામે આવ્યું છે. જો કે, ગામલોકો કહી રહ્યા છે કે, અમે તો અહીં છેલ્લા 10 વર્ષથી કોઈ વિદ્યાર્થીને અભ્યાસ માટે આવતા જોયા નથી. અમારે અમારા બાળકોને પણ ધોરાજી કે ઉપલેટા અભ્યાસ માટે મોકલવા પડે છે. કાગળ પર કાર્યરત આ શાળામાં એક આચાર્ય અને એક ક્લાર્ક ફરજ બજાવતા હોવાનું અને સરકાર તેને પગાર પણ ચૂકવતી હોવાનું સામે આવ્યું છે.સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં વર્ષ દરમિયાન અનેક સરકારી કાર્યક્રમો થતા હોય છે. ત્યારે આ શાળા વિદ્યાર્થીઓ વગર માત્ર કાગળ પર જ ચાલતી હતી તો પછી તે બાબત કોઈ અધિકારીના ધ્યાન પર કેમ ન આવી તે પણ તપાસનો વિષય છે. જો કે, હવે ભોપાળુ છતું થતા DEOએ નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે ધોરાજી તાલુકાના ભલગામડાની બોગસ સ્કૂલ મામલે જણાવ્યું હતું કે, જે.જે.કાલરીયા ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળા છે. આ ગ્રાન્ટેડ શાળાને બોગસ કહી શકાય નહીં. વિદ્યાર્થીઓ અને સ્ટાફ અનિયમિત હોવાની ફરિયાદ સામે આવી છે. ધોરણ-9માં 27 અને ધોરણ-10માં 28 બાળકો છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાનું સામે આવ્યું છે. તપાસ ટીમ શનિવારે શાળાએ ગઈ હતી અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અનિયમિતતા માટે તપાસ ચાલુ છે. વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર અને એડ્રેસના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
ધોરાજી તાલુકાના છાડવાવદર અને ભોલગામડા ગામની વચ્ચે જે. જે. કાલરીયા હાઇસ્કુલ આવેલી છે. સરકારી ચોપડે ધો.9 અને 10ની કાગળ પર ચાલતી શાળા અંગે ગ્રામજનોએ ફરિયાદ કરતા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા તપાસ કરવામા આવી છે. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ શાળા છેલ્લા 3 માસથી બંધ હોવાનુ એજયુકેશન ઇન્સ્પેક્ટર સહિતનાની તપાસમાં સામે આવ્યું છે.
ધોરાજી તાલુકા પંચાયત માજી ચેરમેન શીતલબેન ચૌહાણે જણાવ્યું હતું કે, આ સ્કૂલ 10 વર્ષથી વધુ સમયથી બંધ છે અને અહીં ગ્રાન્ટેડ સ્કૂલ બંધ હોવાથી અમારા બાળકોને ધોરાજી સુધી અભ્યાસ માટે મોકલવા પડે છે.
છાડવાવદર ગામની વિદ્યાર્થિની જાગૃતિએ કહ્યું હતું કે, આ સ્કૂલ છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં છે. મારે અહીં એડમિશન લેવું હતું પરંતુ આ સ્કૂલ બંધ હોવાથી મારે ધોરાજીમાં શાળામાં એડમિશન લેવું પડ્યું હતું.
જે.જે.કાલરીયા હાઈસ્કૂલ કાગળ પર ચાલતી હોવાના આક્ષેપ બાદ તપાસમાં સામે આવ્યું છે કે, અહીં એક આચાર્ય અને ક્લાર્ક ફરજ બજાવે છે જેના પગારની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ કહ્યું હતું કે, શાળામાં આચાર્ય અને શિક્ષકો સહિતનો સ્ટાફ પણ ફરજ બજાવી રહ્યા છે પરંતુ આ શાળામાં કદી તાળા ખુલતા નથી એવો ગામજનોનો સ્પષ્ટ આક્ષેપ છે અને આ હાઈસ્કૂલ વિશે માહિતી અધિકાર હેઠળ શાળાની આરટીઆઈ પણ જાગૃત નાગરિક દ્વારા ત્રણ વર્ષ પૂર્વે કરવામાં આવી હોવાની બાબતો સામે આવી રહી છે.
આ શાળામાં માત્ર નામના જ વિદ્યાર્થીઓ આવતા હોવાનો અને શાળા અનેક ગ્રાન્ટ અને શિષ્યવૃતિનો પણ લાભ લેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ અંગે રાજકોટ DEO દીક્ષીત પટેલે કહ્યુ કે, ધોરાજીમાં ડમી શાળાની ફરિયાદ આવતાની સાથે જ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જયા તપાસમાં જાણવા મળ્યા મુજબ આ શાળા 3 માસથી ખુલી જ ન હોવાનું લાગી રહ્યું છે. તેમજ આ શાળા પર ગત વર્ષે પણ ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારે પણ તાત્કાલિન સમયના અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી.
છાડવાવદરની ગ્રાન્ટેડ શાળામાં હાલ ધોરણ 9 અને 10માં 58 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 10માં નાપાસ થયા બાદ અહીં કાગળ પર અભ્યાસ કરતા હોવાનો અને શિષ્યવૃતિ પણ મેળવતા હોવાનો આક્ષેપ કરાયો છે. સરકાર તરફથી શાળાના આચાર્ય અને ક્લાર્કને પણ પગારની ચૂકવણી કરવામાં આવતી હતી. શિક્ષણ વિભાગની આગળની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
જે.જે.કાલરીયા સ્કૂલ સામે વધુ એક ગંભીર આક્ષેપ કરતો શિક્ષિકાઓનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે ટેટ પાસ મહિલા ઉમેદવારો જણાવી રહી છે કે, અમે જ્ઞાન સહાયક તરીકે અરજી કરતા સરકાર તરફથી અમને ધોરાજી તાલુકાની જે.જે.કાલરીયા હાઈસ્કૂલ ફાળવવામાં આવી હતી. અમે 1-11-2023ના રોજ શાળા પર ગયા ત્યારે અમને હાજર લેવાની ના પાડી હતી અને કહેવામાં આવ્યું હતું કે, અમારા જૂના શિક્ષકો છે તેને જ રાખવા છે. અમારે નવો સ્ટાફ જોઈતો નથી.
1984થી આ સ્કુલ કાર્યરત છે. છાડવાવદર ,ચીખલીયા ,ભલગામડા અને ભોળા ગામના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણવા આવે છે. હાલ સ્કૂલમાં 8 અને 9 ધોરણમાં 54 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
નોંધધનીય છે કે, ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું છે. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે જે.જે.કાલરીયા સ્કૂલ બોગસ ધમધમી રહી હતી. નોંધનીય છે કે, ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે. તપાસ કરતા સામે આવ્યું કે, સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી. આ પ્રકારની માધ્યમિક સ્કૂલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા. આ મામલે યોગ્ય તપાસ થવી જરૂરી છે.