Gujarat

ખંભાળિયાની હરીપર શાળામાં 161 તુલસીજી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ખંભાળિયા તાલુકાના હરીપર ગામે આવેલી શ્રી હરીપર તાલુકા શાળા ખાતે તાજેતરમાં “એક બાળ, એક ઝાડ” કાર્યક્રમ અંતર્ગત હરીપર તાલુકા શાળા આયોજિત અને જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈના ટ્રસ્ટી સપનાબેન કાનાણી પ્રાયોજિત 161 તુલસીજી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના દરેક બાળકો, આમંત્રિત મહેમાનો અને શાળા પરિવારના તમામ સભ્યોને તુલસીજીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કનુભાઈ નંદાણીયા, બી.આર.સી. કો-ઓ. પંકજભાઈ રાણા, સી.આર.સી. કો-ઓ.ભીમસીભાઈ ગોજીયા તેમજ શાળાના સ્થાપક વડિલ નેમચંદભાઈ મારુ, સરપંચ ગોગનભાઈ બાંભવા, હમીરભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા બાળકોને પ્રાસંગિક પ્રવચન તેમજ શિક્ષણ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તુલસીજી એક ઔષધીય વનસ્પતિ છે તેમજ તેના ગુણોની ચર્ચા બાળકો સાથે કરી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કનુભાઈ નંદાણીયા દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. ખંભાળિયામાં અવિરત વરસાદ વરસતો હોવા છતાં પણ આ કાર્યક્રમમાં જોડાઈને શિક્ષણ વિભાગના અધિકારીઓએ બાળકને પ્રેરણા પુરી પાડી હતી.