Gujarat

ધોરાજી-ટંકારામાં મહિલાઓનું મતદાન વધારવા વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ

ધોરાજી-ટંકારામાં મહિલાઓનું મતદાન વધારવા વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ

ધોરાજીમાં ડૉ. આંબેડકર જયંતિ નિમિત્તે નીકળેલી રેલીમાં મહિલાઓને પેમ્પલેટનું વિતરણ કરાયું

રાજકોટ, તા. ૧૪ એપ્રિલ – લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ ઉપરાંત ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું તેવા લો વોટર ટર્નઆઉટ વાળા વિસ્તારોમાં મતદાન વધારવા માટે વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે.


જે અંતર્ગત ૭૫-ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ધોરાજી શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે યોજાયેલી મહિલા રેલીમાં મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મતદાનનું મહત્વ સમજાવતા બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા તેમજ પેમ્પેલેટનું વિતરણ કરીને, મતદાર વિશે સમજૂતી આપવામાં આવી હતી. આ સાથે લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી.


ઉપરાંત ધોરાજી તાલુકાના ધોરાજી, મોટી મારડ, જમનાવડ , પાટણવાવ, કલાણા, હડમતીયા, ભાદાજાળીયા ગામે આંગણવાડી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જ્યારે ૬૬-ટંકારા વિધાનસભામાં સમાવષ્ટિ પડધરી તાલુકામાં પુરૂષની સરખામણીએ જ્યાં મહિલાઓનું ઓછું મતદાન છે તેવા વિસ્તારોમાં વિશેષ મતદાન જાગૃતિ ઝુંબેશ કરવામાં આવી હતી. જેમાં મતદાન મથક નં.૨૨૦-મોવૈયા ખાતે ટી .પી.ઓ. તથા બી.એલ.ઓ. દ્વારા ગ્રામજનોમાં મતદાર અંગે જાગૃતિ લાવવા તથા મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે તે માટે મતાધિકારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સાથે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪માં અચૂક મતદાન કરવા અંગે શપથ લેવામાં આવ્યા હતા.

IMG-20240414-WA0048.jpg