સામાજિક વિજ્ઞાન એટલે માનવનાં સામાજિક જીવનનો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ ધરાવતું વિજ્ઞાન. શિક્ષણનાં નૂતન પ્રવાહમાં સામાજિક વિજ્ઞાનનું શિક્ષણકાર્ય રોચક બને તે માટે અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યાં છે જે અંતર્ગત સામાજિક વિજ્ઞાનની અધ્યયન નિષ્પત્તિઓને વિદ્યાર્થીઓ સમક્ષ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત ધોરણ 6 થી 8 નાં સામાજિક વિજ્ઞાન વિષયનાં શિક્ષકો માટે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા દ્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન અત્રેનાં બી.આર.સી. ભવન ખાતે કરવામાં આવ્યું હતું.
સદર તાલીમ વર્ગમાં રિસોર્સ પર્સન એવાં અલ્પેશ સુરતી (ભટગામ પ્રાથમિક શાળા), નિકુંજ પટેલ (રાજનગર પ્રાથમિક શાળા), જિજ્ઞેશ પટેલ (મંદરોઇ પ્રાથમિક શાળા), મીરલ પટેલ (સાયણ પ્રાથમિક શાળા, કિરીટ સુરતી (અરીયાણા પ્રાથમિક શાળા) તેમજ ક્રિષ્ના પરમાર (અંભેટા પ્રાથમિક શાળા) દ્વારા વર્ગખંડમાં બાળકો સામાજિક વિજ્ઞાન વિષયનાં કઠિન બિંદુઓને સરળ અને સહજ રીતે સમજી શકે તે અંગે પ્રવૃત્તિમય અને ટેકનોલોજીયુક્ત માહિતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ તાલીમ તજજ્ઞોનાં માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓએ અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્નાવલી તૈયાર કરી હતી.
આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત સૌ તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતાં. તાલીમ વર્ગમાં તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રિ-ટેસ્ટ તથા પોસ્ટ ટેસ્ટ પણ લેવામાં આવી હતી. તાલીમ વર્ગનાં સંચાલક તરીકે સાંધિયેરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલાએ સેવા બજાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

