Gujarat

જામનગરમાં મહિલા પોલીસકર્મીનું હ્રદય બંધ પડી જતા મોત થયું હતું, આઘાતમાં સરી પડેલા પતિએ પણ જિંદગી ટૂંકાવી

જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી કે જેઓ પ્રસ્તુતિ અર્થે પોતાના ભાઈના ઘેર આવ્યા હતા, જ્યાં ભાઈબીજના દિવસે તેઓનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું હતું, જેના આઘાતમાં મહિલા પોલીસ કર્મચારીના પતિએ પણ વિજરખી ડેમ માં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

આ ભારે ગમગીની ફેલાવનારા બનાવની વિગત એવી છે કે, જામનગરમાં ગોકુલ નગર નજીક શ્યામ નગર શેરી નંબર -2 માં રહેતા અને મહિલા પોલીસ મથકમાં મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા સેજલબેન જોગેશભાઈ નકુમ કે જેઓ તાજેતરમાં જ મેટરનીટી લીવ પર ઉતર્યા હતા, અને છેલ્લા બે મહિનાથી તેઓ પોતાના માવતરે પ્રસુતિ અર્થે ગોકુલ નગર રહેવા માટે આવ્યા હતા.

જ્યાં ભાઈબીજના તહેવારના દિવસે બાથરૂમમાં નાહવા માટે જતાં તેઓને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને સેજલબેન નું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ પછી તેના પતિ જોગેશભાઈ પરસોત્તમભાઈ નકુમ ઉ.29 કે જેઓ પણ આઘાતમાં ચાલ્યા ગયા હતા, અને લાભ પાંચમના તહેવારના દિવસે વિજરખી ડેમ પર પહોંચ્યા હતા, અને ત્યાં ડેમના પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ભારે અરેરાટી ફેલાઇ છે.

આ બનાવની જાણ થતાં પંચકોષી એ.પોલીસ મથકના પોલીસ કર્મચારી હરદેવસિંહ ઝાલા વગેરે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમની મદદ લીધી હતી અને જોગેશભાઈ નકુમના મૃતદેહ ને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે જેનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

જોગેશભાઈ પરસોત્તમભાઈ કે જેઓ જૂના નાગના રોડ ઉપર નાગેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતા હતા, અને પોતાના પત્ની મહિલા પોલીસ કર્મચારીના હાર્ટ એટેક થી નિધનને લઈને છેલ્લા બે ત્રણ દિવસથી આઘાતમાં સરી પડ્યા હતા, અને તેઓના વિયોગમાં આજે પોતે પણ પત્નીની અનંત વાટે ચાલ્યા જવા માટે આત્મહત્યાનું પગલું ભરી લેતાં પતિ અને પત્ની બંનેના મૃત્યુના સમાચારને લઈને સમગ્ર પરિવાર સ્તબ્ધ બની ગયો છે.

તેમજ સતવારા સમાજમાં ભારે શોકનું મોઝું ફરી વળ્યું છે, અને જુના નાગના રોડ નાગેશ્વર પાર્ક વિસ્તારમાં ભારે ગમગીની ફેલાઈ છે.