સુરત શહેરમાં ટ્રાફિક વિભાગના જવાનો ખડેપગે ગરમીમાં પણ ઊભા રહીને ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવે છે. આવી સ્થિતિમાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાનમાં તેઓ પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતી ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપવામાં આવ્યાં છે. આ હેલ્મેટ ચાર્જિંગ કર્યા બાદ આઠ કલાક સુધી ટ્રાફિક જવાનને ઠંડક આપશે.
ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો ગરમીના કારણે ભારે ત્રસ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં તેઓ પોતાની ફરજ પણ યોગ્ય રીતે નિભાવી શકતા નથી. ઘણી વખત ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવાને કારણે તેમને શારીરિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમન કરવું ખૂબ જરૂરી હોવાને કારણે આવી કપરી સ્થિતિમાં પણ તેઓ પોતાની ફરજ ટ્રાફિક પોઇન્ટ ઉપર બજાવતા રહે છે.
ગરમીના કારણે તેઓ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકતા નથી અને તેને કારણે વાહનચાલકો સાથે પણ તેમની ચકમક થતી રહે છે. આવી કાળજાળ ગરમી વચ્ચે ટ્રાફિક જવાનો યોગ્ય રીતે પોતાની ફરજ બજાવી શકે તેના માટે તેમને AC હેલ્મેટ આપવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આજથી કેટલાક ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને AC હેલ્મેટ આપવામાં આવ્યા હતા.

