Gujarat

બારડોલી મામલતદાર દ્વારા પાંચ જેટલી ટીમો બનાવી અનેક એકમોમાં ફાયર સુવિધા અંગે યોગ્ય તપાસ કરવામાં આવી

રાજકોટ ઘટનાને પગલે સુરત ગ્રામ્ય પોલીસ અને બારડોલી ફાયર વિભાગ પણ એક્સનમાં આવ્યું હતું. બારડોલીના બાબેન સ્થિત હેપ્પી પ્લેનેટ ગેમઝોન મળી કુલ ત્રણ ગેમઝોન સંચાલકો સામે ગુનો દાખલ કરાયો છે.

હાલ બારડોલી મામલતદાર દ્વારા પાંચ જેટલી ટીમો બનાવી નગરના ગેમઝોન, મોલ, દુકાનો, સમાજ વાડી, શાળાઓ સહિતના એકમોમાં ફાયર સુવિધા અંગે યોગ્ય તપાસ કરવામાં આવી હતી.

રાજકોટ ખાતે ટીઆરપી ગેમઝોનમાં આગની ઘટના બની હતી. જેમાં 28 જેટલા નિર્દોશો આગમાં ભૂંઝાઈ ગયા હતા. જેથી રાજ્યભરમાં ગેમઝોન પર હવે તવાઈ બોલાવાઈ રહી છે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં બારડોલી ખાતે ફાયર વિભાગ અને ગ્રામ્ય પોલીસ દ્વારા ગેમઝોનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં બારડોલીના બાબેન ગામે હેપ્પી પ્લેનેટ ગેમઝોન મળી કુલ ત્રણ ગેમઝોનમાં તપાસ કરતા ફાયર સુવિધાનો અભાવ જણાયો હતો. જેને લઇને ગેમઝોનના સંચાલકો સામે બારડોલી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

બાબેન બાદ બારડોલી નગરમાં ચાલતા 24 સુન્કર ક્લબ, ઓરબીટ ગેમ ઝોન મળી કુલ ત્રણ ગેમ ઝોનના સંચાલકો સામે પણ હાલ ગુનો નોંધાયો છે. ફાયર સુવિધા વિના લોકોનું જીવન જોખમાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય કરવા બદલ ગુનો નોંધાયો હતો.

હાલ બારડોલી નગરમાં બારડોલી મામલતદાર દ્વારા પાંચ જેટલી ટીમો બનાવવામાં આવી છે. ગેમઝોન સાથે સાથે શોપિંગ મોલ, દુકાનો, શાળાઓ, સમાજ ભવનોમાં ફાયર સુવિધા અંગે તપાસ કરવામાં આવનાર છે, પરંતુ અહીં પ્રશ્ન એજ ઉપસ્થિત થાય છે કે જ્યારે આવી ઘટના બને ત્યારે તંત્ર દોડે છે, પરંતુ ગેમઝોનની શરૂઆત કરાય ત્યારે જ યોગ્ય તપાસ કેમ કરાતી નથી એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે.