નડિયાદ વોર્ડ નં.3ના મહિલા કાઉન્સિલરના પુત્ર અને તેના સાગરીતો દ્વારા પોતાના જ વિસ્તારના યુવકો પર જીવલેણ હુમલો કરાયો હતો. જાતિવાચક અપમાન કરી અને કરાયેલા આ હુમલાની બાબતમાં અગાઉ 11 આરોપીઓના જામીન નામંજૂર થયા બાદ હવે મુખ્ય આરોપી ગિરિશ દાદાલાણી અને તેના સાળા ભાવેશ ગુરુના જામીન પણ કોર્ટે નામંજૂર કર્યા છે.
નડિયાદમાં વોર્ડ નં.3માં મહિલા કાઉન્સિલરના પુત્ર ગિરિશ દાદલાણીએ પોતાના સાગરીતો સાથે એકસંપ થઈ અને પોતાના જ વિસ્તારમાં રહેતા દલિત યુવક પ્રતિક સોલંકી અને તેના ભાઈ અરૂણ સોલંકી પર હુમલો કર્યો હતો અને આ દરમિયાન જાતિવાચક શબ્દો બોલી અને અપમાનીત કર્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે પહેલા ગિરિશ દાદલાણી અને ભાવેશ ગુરુ સામે એટ્રોસીટીનો ગુનો નોંધ્યો હતો. પરંતુ પછીથી આ મામલે પોલીસને વીડિયો ઘટનાના વીડિયો હાથ લાગ્યા હતા અને તે ઘટના મુજબ રાયોટીંગનો ગુનો બનતો હોવાથી પોલીસ દ્વારા આખી ફરીયાદમાં રાયોટીંગની કલમો ઉમેરી અને વીડિયોમાં દેખાતા આરોપીઓના નામ પણ ફરીયાદમાં ઉમેર્યા હતા.
આ દરમિયાન એટ્રોસીટી અને રાયોટીંગના તમામ આરોપીઓની ઝડપીને બિલોદરા જેલમાં મોકલાયા હતા. જેમાંથી પહેલા 11 આરોપીઓએ જામીન અરજી રજૂ કરી હતી, પરંતુ તમામના જામીન નામંજૂર થયા હતા. આ બાદ હવે ગિરિશ દાદલાણી અને તેના સાળા ભાવેશ ગુરુની જામીન અરજીની ગતરોજ સુનાવણી થઈ હતી, જે દરમિયાન કોર્ટે SC-ST સેલના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી., સરકારી વકીલ અને વીથ પ્રોસિક્યુસનની લેખિત અને મૌખિક દલિલો ધ્યાને રાખી અને બંને મુખ્ય આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે, જેના પગલે હવે બંને આરોપીઓ સાગરીતો સાથે બિલોદરા જેલમાં જ્યુડીશિયલ કસ્ટડીમાં રહેશે.

