Gujarat

એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ રદ્દ; અનેક ફ્લાઇટને અસર થતાં હજારો મુસાફરોને હાલાકી

ગઈકાલે સાંજે અને મોડી રાત્રે મુંબઇમાં ભારે વરસાદ ખાબક્યો હતો. લગભગ 6 કલાક જેટલા સમયગાળામાં 11 ઇંચ કરતા વધુ વરસાદ પડતા જનજીવન પર અસર પડી છે. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટના રનવે પરથી ઉડાન ભરતી દેશ-વિદેશની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને મુંબઈ ઉતરાણ કરવાની હતી, તે તમામને અસર થઈ છે. હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. આજે પણ મુંબઇમાં મેઘગર્જના સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. જેથી દિવસ દરમિયાન મુંબઇ આવતી-જતી અનેક ફ્લાઇટને અસર થશે. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટની કનેક્ટિવિટી પણ વધુ છે, જેથી અમદાવાદ આવતા અને જતા મુસાફરોને પણ મુશ્કેલી થશે.

આજે પણ કેટલીક ફ્લાઈટ મોડી પડે તેવી સંભાવના
મુંબઈમાં ભારે વરસાદને કારણે સવારના 11:00 વાગ્યા સુધીમાં મુંબઇથી અમદાવાદ આવતી ચાર ફ્લાઇટ અને ગઈકાલે સાંજે પણ બે ફ્લાઇટ 1 કલાકથી લઇને સાડા 8 કલાક જેટલા સમય માટે વિલંબિત થઇ હતી. આ ઉપરાંત અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટને મુંબઈના વાતાવરણને કારણે એર ટ્રાફિક કન્ટ્રોલ તરફથી ક્લિયરન્સ ન મળતા ગઈકાલે સાજી અમદાવાદથી મુંબઈ જતી બે ફ્લાઈટ દોઢથી 2 કલાક મોડી થઇ હતી. જ્યારે આજે સવારના 11:00 વાગ્યા સુધીમાં 6 ફ્લાઇટ 2 કલાક જેટલા સમય માટે મોડી થઇ છે. આ ઉપરાંત જે ફ્લાઇટ તેના નિશ્ચિત સમય પર તેની થોડીક મિનિટોમાં ટેકઑફ થઈ હતી, તે પણ ક્લિયરન્સ ન મળતા હવામાં ચક્કર લગાવ્યા બાદ લાંબા સમય પછી મુંબઈ એરપોર્ટ પહોંચી હતી. આજે દિવસ ભર મુંબઇમાં પ્રતિકૂળ વાતાવરણ રહેવાની શક્યતાઓને કારણે ફ્લાઇટ ટેકઓફ અને લેન્ડિંગમાં વિલંબ થઈ શકે છે.

દિલ્હી-મુંબઈ સાથે અન્ય ફ્લાઈટને પણ અસર
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ગત સપ્તાહે એરપોર્ટ પર શેડ તૂટી પડતા તમામ ફ્લાઇટને ટર્મિનલથી ઓપરેટ કરવામાં આવી રહી છે, જેને કારણે આજે દિલ્હીથી આવતી અને જતી અનેક ફ્લાઇટ વિલંબિત થઇ છે. જેમાં કેટલીક ફ્લાઇટ 1 કલાક તો કેટલીક ફ્લાઈટ તેના સમય કરતા પણ વધુ સમય માટે મોડી પડે તાવી સંભાવના છે. અમદાવાદથી સવારે 11:50 કલાકે અમદાવાદથી ઉડાન ભરીને દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. ફક્ત દિલ્હી અને મુંબઈ જ નહીં, પરંતુ દેહરાદુન, કોચિન, પુણે, ગ્વાલિયર અને નાસિક તથા હૈદરાબાદ જતી ફ્લાઇટ પણ 1 કલાક કરતા વધુ સમય માટે વિલંબિત થઈ છે.