Gujarat

ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે આમોદ નગરમાં ગંદકીનું સામ્રાજ્ય

 યુથ કોંગ્રેસે પાલિકા સત્તાધિશોને સફાઈ કામગીરી તેજ બનાવવાની માંગ કરી
ભરૂચ, તા.27-07-2024
ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાંદીપૂરા વાયરસનાં કારણે હાહાકાર મચી ગયો છે તેમજ નાના બાળકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર કામે લાગી ગયું છે. પરંતુ આમોદ પાલિકા તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આમોદ નગરમાં ઠેર–ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. જે પાલિકા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવતો નથી. જ્યાં અસંખ્ય માખી-મચ્છરોનું આશ્રય સ્થાન બની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય તરીકે ઓળખાતી સફેદ નાની માખી દ્વારા ફેલાઈ રહ્યો છે. એક તરફ આમોદ પાલિકા કચેરી બહાર સફાઈ કામદારો પ્રતીક ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે બીજી તરફ નગરમાં ફેલાયેલી ગંદકીને કારણે નગરજનોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હોય તેમ લાગી રહ્યું છે.
આમોદ નગરમાં આવેલી પ્રાથમિક મિશ્ર શાળા નંબર–૧ પાસે ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. જ્યાં નાના બાળકો શાળામાં ભણવા માટે આવે છે. ત્યારે વાલીઓમાં પણ પોતાના બાળકોના આરોગ્યને લઈને ચિંતિત બન્યા છે.
આ બાબતે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ આમોદ પાલિકા તંત્રને વહેલી તકે આરોગ્ય લક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું. તેમજ ભારે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં આરોગ્યલક્ષી કામગીરી કરવા પાલિકા તંત્રને જણાવ્યું હતું.
વિરલ ગોહિલ, ભરૂચ