કેન્દ્રીય ગૃહ મંત્રી સવારે 10-15 કલાકે રાજકોટના હિરાસર એરપોર્ટ પહોંચીને બાદમાં હેલીકોપ્ટર મારફત જામકંડોરણા જવા રવાના થશે: બપોરે 12-15 કલાકે પરત જશે
લોકસભા ચૂંટણીમાં હવે ત્રીજા તબકકામાં ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો પર તા.7 મેના રોજ મતદાન યોજાવાનું છે તે પૂર્વે હવે રાષ્ટ્રીય નેતાઓના શરુ થયેલા પ્રવાસમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોરબંદર લોકસભા બેઠક લડી રહેલા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના સમર્થનમાં એક સભાને સંબોધવા જામકંડોરણા આવી રહ્યા છે અને અહીં વિશાળ રેલી સાથે સભા યોજાશે.
શાહ અમદાવાદથી ખાસ વિમાનમાં રાજકોટના હિરાસર વિમાની મથકે સવારે 10-15 કલાકે આવી પહોંચશે અને 15 મીનીટ એરપોર્ટ પર રોકાણ કરીને સીધા હેલીકોપ્ટર મારફત જામકંડોરણા જવા રવાના થશે. જ્યાં તેઓ સભાને સંબોધન કર્યા બાદ 12-15 કલાકે સીધા ગાંધીનગર જવા રવાના થશે.
શાહના આગમન પૂર્વે તેમની સુરક્ષા ટીમ જામકંડોરણા પહોંચી ગઇ છે અને સૌરાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં આ પ્રથમ સૌથી મોટી સભા હશે.