Gujarat

અમરેલી જિલ્લા રવી કૃષિ મહોત્સવઃ કૃષિકારોને આધુનિક ખેતીલક્ષી માર્ગદર્શન

અમરેલી જિલ્લા રવી કૃષિ મહોત્સવઃ
કૃષિકારોને આધુનિક ખેતીલક્ષી માર્ગદર્શન

ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ તજજ્ઞો દ્વારા દિશાદર્શન

પ્રાકૃતિક કૃષિ, મિલેટ્સ અને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન
સહિતના કૃષિલક્ષી વિષયોને આવરી લેવામાં આવ્યા
……
જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ લાઠી ખાતેના રવી કૃષિ મહોત્સવમાં
સહભાગી બન્યા : ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા કર્યો અનુરોધ
……
અમરેલી તા.૭ ડિસેમ્બર,૨૦૨૪ (શનિવાર) અમરેલી જિલ્લામાં તાલુકાવાર આયોજિત રવી કૃષિ મહોત્સવના બીજા અને અંતિમ દિવસે કૃષિ તજજ્ઞો દ્વારા કૃષિકારોને ખેતી ક્ષેત્રના વિવિધ આયામોને આવરી લઈ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

લાઠી એપીએમસી ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા સહભાગી બન્યા હતા. જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ કૃષિલક્ષી સ્ટોલનું નિરીક્ષણ કરીને ખેડૂતોને માર્ગદર્શન આપતા કહ્યુ કે, રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જરુરી છે. નાગરિકોના આરોગ્ય અને જમીનની ફળદ્રુપતા માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને કૃષિ તજજ્ઞો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને ખેતીકાર્યમાં ઉપયોગમાં લેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લામાં તાલુકા વાર આયોજિત રવી કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી ઉપરાંત મિલેટ્સ (શ્રી અન્ન – જાડા ધાન) અને બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધન, કૃષિ અને બાગાયતી પાકોમાં તાંત્રિકતા, બાગાયતી પાકો સાથે મિશ્ર ફાર્મિંગ સહિતના કૃષિ લક્ષી વિષયોને આવરી લઈ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કૃષિ તજજ્ઞોએ વિસ્તૃત વિગતો આપી હતી.

અમરેલી જિલ્લામાં લાઠી ઉપરાંત અમરેલીના ચાડીયા, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લીલીયા મોટા, રાજુલા, સાવરકુંડલા અને મોટી કુંકાવાવ ખાતે રવી કૃષિ મહોત્સવના અંતિમ દિવસે ખેડૂતોએ કૃષિલક્ષી પરિસંવાદ અને પ્રદર્શનનો લાભ મેળવ્યો હતો.
રોહિત ૦૦૦