બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં વિકાસનાં કામો અટકી જતા આજે સરપંચો જિલ્લા પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં જિલ્લામાં ગ્રામ પંચાયતના વિકાસની દરખાસ્તો ઝડપથી મંજુર કરવા સહિત મનરેગા યોજનામાં મટીરિયલ કામોની મંજૂરી આપવા બાબતમાં આજે બનાસકાંઠા જિલ્લા સરપંચ એસોસિએશનએ જિલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. સરપંચ એસોસિએશને રજૂઆત કરતા કહ્યું હતું કે, વિકાસની વાતો કરતી સરકારની ઢીલી નીતિથી ગામડાઓ માં વિકાસ અટકી ગયો છે. વિકાસનાં અનેક કામો મંજૂરી વિના અધૂરા પડ્યા છે.

જેનાથી બે વર્ષથી ચુંટાયેલા સરપંચો કામ કરી શકતા નથી જેના કારણે લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લાની અંદર મનરેગા યોજના નીચે બનાસકાંઠાના ગ્રામ પંચાયતોની મટીરીયલ અંગેની ફાઈલોની મંજૂરી પેન્ડિંગ છે. જેના લીધે મટીરીયલનાં પેમેન્ટો ઘણા લાંબા સમયથી ગ્રામ પંચાયતને ચૂકવવામાં આવ્યું નથી. જેના કારણે સરપંચોએ જેમની પાસેથી મટીરીયલ્સ લીધેલ છે.
તેની રકમ ચૂકવણી કરવાની બાકી હોવાથી સરપંચોની મુશ્કેલીઓ વધી છે.જેને લઈને પાલનપુરમાં જિલ્લા પંચાયત ખાતે બનાસકાંઠા જિલ્લાના સરપંચ એસોસિએશન ના આગેવાનોએ જિલ્લાના વિકાસના કામોની દરખાસ્ત ને મંજૂરી મળે તેમજ મનરેગા યોજનામાં મટીરિયલની રકમ ત્વરિત ચૂકવામાં આવે તેવી લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી.

