નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીનું જોર ઘટતાં હાલ 1,47,370 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. હવે ધીરે ધીરે સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી આવક કરતા જાવક વધારી પુનઃ 2 મીટર જેટલો ખાલી કરવા જઈ રહી છે. સરદાર સરોવર ડેમની સપાટી 41 સેમી નીચે આવી ગતરોજ નર્મદા ડેમની જળસપાટી 135.76 મીટરે હતી. જે પાણીની અવાક ઘટતા ધીરે ધીરે આજે ડેમની સપાટી 135.35 મીટરે પહોંચી છે. 12 કલાકમાં ડેમની જળસપાટી 41 સેમી ઘટી છે.

વધુમાં નદી તળ વિધુત મથક (R.B.P.H)ના 6 મશીનો દ્વારા 43,437 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવે છે. સાથે 5 દરવાજામાંથી 1,16,677 ક્યૂસેક પાણી મળી સરદાર સરોવર બંધમાંથી નર્મદા નદીમાં કુલ 1,60,114 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમ 90 ટકા જેટલો ભરાયેલો છે. સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે.

