Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરીયા ગામના આશા વર્કર અને બેંકમાં વી.સી તરીકે કામ કરતા વ્યક્તિ ગેરકાયદેસર રીતે વૃદ્ધ પેન્શન મેળવતા હોવાની જાણ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરીયા ગામના આશા વર્કર અને બેંકમાં વી.સી તરીકે કામ કરતા વ્યક્તિ ગેરકાયદેસર રીતે વૃદ્ધ પેન્શન મેળવતા હોવાની જાણ થતાં ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય એ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 6 વર્ષથી ડુબ્લીકેટ દસ્તાવેજ બનાવી વૃદ્ધ પેનશન મેળવી સરકારને ચૂનો લગાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઇ મામલતદારે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે. હજુ બીજા વધુ લોકોએ પણ બોગસ દસ્તાવેજો થી લાભ લીધો હોવાનો ભાજપના નેતાનો આક્ષેપ પણ છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરીયા ગામે રહેતા રાઠવા વિનુભાઈ રામદાસ ભાઈ બેન્કમાં વી.સી તરીકે કામગીરી કરે છે. તેમજ તેઓની પત્ની નયનાબેન વિનુભાઈ રાઠવા આશા વર્કર તરીકે ફરજ બજાવે છે. પતિ પત્ની ભેગા મળી વૃદ્ધ પેન્શન મેળવતા હોવાનો પરદાફાસ થયો છે. જ્યારે સમગ્ર મામલામાં તાલુકા પંચાયત સદસ્ય અને માજી કારોબારી ચેરમેન બબલુભાઈ જયસ્વાલએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરતા હાલતો નસવાડી મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.
જયારે વૃદ્ધ પેન્શન મેળવવા ઉમર પુરાવા માટે આધારકાર્ડ સહિત અન્ય દસ્તાવેજ અને બી.પી.એલ કાર્ડની જરૂરિયાત હોતી હોય છે. ત્યારે આ પતિ અને પત્નીએ વૃદ્ધ પેન્શનના ખોટા દસ્તાવેજો અને આધારપુરાવા રજુ કરી 5 વર્ષ સુધી વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લીધો છે. જ્યારે બંનેવની ઉંમર 60 વર્ષની થતીજ નથી. ત્યારે વૃદ્ધ પેન્શનનો લાભ મામલતદાર કચેરી દ્વારા કેવી રીતના અપાયો જેથી નસવાડી મામલતદાર કચેરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. કારણ કે અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી અસલી કૌભાંડની બોલબાલા હતી. પરંતુ હવે બીજું એક નવું કૌભાંડ વૃદ્ધ પેન્શનનું બહાર આવ્યું છે.
વૃદ્ધ પેન્શન મેળવનાર પણ નકલી નીકળ્યા છે. અને નકલી કાગળો રજુ કરી અસલી લાભો લીધા છે. છોટાઉદેપુર જિલ્લામાં અનેક કૌભાંડો દિવસે દિવસે બહાર આવી રહ્યા છે. છતાંય અધિકારીઓ હજુ કુંભકર્ણની નિંદ્રામાં જ સુઈ રહ્યા છે. નસવાડી મામલતદાર કચેરીના અધિકારીઓ વૃદ્ધ પેન્શનના ફોર્મની મંજૂરી આપતી વખતે શું ચકાસણી કરી જ્યારે તલાટી તેમજ અન્ય અધિકારી આ બાબતે કેમ ધ્યાન ના આપ્યું બી.પી.એલ દાખલા મેળવવા તલાટી અને અન્ય અધિકારીની સહી આવે છે.
ત્યારે આવા બોગસ દસ્તાવેજો રજુ કરનારના ફોર્મ ઉપર કેવી રીતના સહીઓ કરી અને બોગસ દાખલા કેમ કાઢી આપવામાં આવ્યા તેના ઉપર કેવી રીતના લાભો અપાયા તેવા સવાલ ઉઠ્યા છે. નસવાડી તાલુકામાં હાલ તો ભાજપના જ નેતા દ્વારા વૃદ્ધ પેન્શનનું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે. આ વૃદ્ધ પેન્શન કૌભાંડમાં બીજા કેટલાક નામો બહાર આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલ નસવાડી મામલતદાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. હવે તપાસમાં શું બહાર આવશે તે જોવાનું રહ્યું.