રાજકોટ ગેમઝોનની જીવલેણ દુઘર્ટના બાદ જામનગરમાં ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી વગરની હોટલ, રેસ્ટોરન્ટ, શાળા, કોલેજ, હોસ્પિટલ મહાપાલિકાએ ધડાધડ સીલ કરી છે.
પરંતુ દિવા તળે અંધારાની કહેવતની જેમ જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલના બેડમીન્ટન કોર્ટ, ટેબલ ટેનીસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનો નથી. વેકેશન ચાલી રહ્યું હોય દિવસમાં 250 થી વધુ ખેલાડીઓ રમવા આવી રહ્યા હોય રાજકોટ જેવી દુઘર્ટના થશે તો જવાબદારી કોની તે સો મણનો સવાલ છે.

રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડ બાદ જામગનરમાં મહાનગરપાલિકા દ્રારા ટીમ બનાવી શહેરમાં ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી વગરની હોટલ, રેસ્ટોરન્ટ, શાળા, કોલેજ, હોસ્પિટલ સહિતના એકમો સીલ કરતા ધંધાર્થીઓમાં દોડધામ મચી ગઇ છે.
પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, શહેરભરમાં ફાયરના સાધનો અને નિયમોના અભાવે એકમોને સીલ કરતી જામનગર મહાનગરપાલિકાના તળાવની પાળ પાસે આવેલા રમત ગમત સંકુલમાં બેડમીન્ટન કોર્ટ, ટેબલ ટેનીસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનો એટલે કે એકસ્ટીગ્યુશર નથી.
નવાઇની વાત તો એ છે કે, હાલમાં વેકેશન ચાલી રહ્યું હોય આ રમત રમવા માટે દરરોજ 250 થી વધુ ખેલાડી આવી રહ્યા છે. આમ છતાં ફાયરના સાધનો રાખવામાં ઘોર બેદરાકારી દાખવામાં આવી છે. ત્યારે રાજકોટ જેવી દુઘર્ટના બનશે તો જવાબદાર કોણ તે સળગતો સવાલ બન્યો છેે.
15 દિવસથી ફાયર એક્સ્ટિગ્યુશર રીફીલ થયા નથી
જામનગર મહાપાલિકાના રમત ગમત સંકુલમાં બેડમીન્ટ કોર્ટ, ટેબલટેનીસ રૂમ, જીમ અને લોબીમાં ફાયર એકસ્ટીગ્યુશર નથી. આટલું જ નહીં આ એકસ્ટીગ્યુશર 15 દિવસથી રીફીલમાં ગયા હોવાના દાવા ફરજ પરના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે 15-15 દિવસથી સાધનો રીફલ ન થયા હોય કોઇ દુઘર્ટના બનશે તો જવાબદાર કોણ તે સવાલ ખેલાડીઓમાં ઉઠયો છે.
જામનગર મહાનગરપાલિકા હસ્તક શહેરમાં 12 આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં પણ ફાયરના અપૂરતા સાધનો છે. કારણ કે નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્રમાં 1, કામદાર કોલોની અને ગોમતીપુર આરોગ્ય કેન્દ્રમાં બે ફાયર એકસ્ટીગ્યુશર મૂકેલા છે. પરંતુ આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની વધુ ભીડ રહેતી હોય આટલા ફાયરના સાધનો પૂરતા છે કે કેમે તે તપાસનો વિષય બન્યો છે.
જામનગર મનપાના રમતગમત સંકુલના સ્ટોરરૂમમાં ચકાસણી કરતા બે ફાયર એકસ્ટીગ્યુશર ભંગાર હાલતમાં મળી આવ્યા હતાં. વળી, આ સાધનો એકસપાયરી એટલે કે વર્ષ 2022-23 ના હોય મુદત વીતી ગયેલા હોય કોઇ કામના નથી. નવાઇની વાત તો એ છે કે, રમત ગમત સંકુલમાંથી બહાર નીકળવાનો મુખ્ય સિવાયનો એટલે કે વૈકલ્પિક દરવાજો પણ બંધ રાખવામાં આવ્યો છે.