Gujarat

નવું ભવન બનાવતાં પહેલાં સ્થળ પર ગાયો રાખી સેવા કરાશે, જેથી યુનિવર્સિટીની છબિ સુધરી શકે

વીર નર્મદ યુનિવર્સિટી કાર્યશૈલીને લઈને વિવાદોમાં રહે છે તેની નાવ હવે ગૌમાતા પાર પાડશે. નવું વહીવટી ભવન બનાવતા પહેલાં જમીન પર 5-7 ગાય પાળવામાં આવશે, જેની વહીવટીતંત્ર 3 મહિના સુધી સેવા કરશે. ત્યારબાદ પૂજા અને હવન કરીને નવા ભવનનો શિલાન્યાસ કરાશે.

યુનિવર્સિટીનું માનવું છે કે આનાથી જમીન શુદ્ધ થશે અને સકારાત્મક ઊર્જાનો ફેલાવો થશે. વાસ્તવમાં, યુનિવર્સિટીનું હાલનું ભવન જર્જરિત થઈ ગયું છે, તેની જગ્યાએ નવું વહીવટી ભવન બનાવવાનું છે. નવું બિલ્ડિંગ ક્યાં બનાવવું તે મુદ્દે મંથન ચાલી રહ્યું છે.

સૂત્રોએ કહ્યું કે, આ અંગે અમદાવાદના એક મહારાજ પાસેથી અભિપ્રાય લેવાયો તો મહારાજે ભવનવાળી જમીન પર ગાયો રાખવા સૂચન કર્યું હતું, જેથી એક ગૌશાળામાંથી લોકોને બોલાવી ચર્ચા કરાઈ હતી.

યુનિવર્સિટી વાસ્તુ અને કાયદાકીય નિયમો અનુસાર બિલ્ડિંગનું નિર્માણ કરવા માંગે છે, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય. સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજે ગાર્ડનની નજીક, કમ્પ્યુટર સાયન્સ પાસે, બાયો સાયન્સની પાછળ અને હાલની ઇમારતની પાછળની જગ્યા યોગ્ય કહી છે.