Gujarat

ભાદરવો ભરપૂર:સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ સતત ઓવરફ્લો

18 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા, 22 ગામોને એલર્ટ કરાયા
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાદરવામાં શરૂ થયેલ વરસાદ સતત બે દિવસથી અવિરત વરસી રહ્યો છે. અવિરત વરસાદના પગલે રાજકોટ શહેર અને જિલ્લાના મોટાભાગના તમામ જળાશયોમાં નવાનીરની નોંધપાત્ર આવક થવા પામી છે. તેમાં પણ ખાસ કરી રાજકોટ શહેર અને જિલ્લાના પાણી પૂરું પડતા ભાદર ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે  વરસાદના પગલે ઉપરવાસમાં પડી રહેલા વરસાદ થી સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર 1 ડેમ પણ ઓવરફ્લો થતા ડેમના 18 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે.
ભાદર ડેમમાં સતત પાણી આવક ચાલુ રહેતા હાલ ડેમની સપાટી છલોછલ જોવા મળી રહી છે. જેતપુર નજીક આવેલ ભાદર-1 ડેમની સપાટી 34 ફૂટે ગત રાત્રિથી છલોછલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ભાદર ડેમ ભાદરવે ભરપૂર છલોછલ થતા રાત્રીના સમયે તંત્ર દ્વારા ડેમના 5 દરવાજા 1 ફૂટ ખોલી દેવામાં આવ્યા હતા.ત્યાર બાદ વતા ઓછા રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલ બંધ કરવામાં આવી રહ્યા હતા હાલ ડેમના 18 દરવાજા ખોલવામાં આવ્યા ડેમમાં હાલ 33018 ક્યુસેક પાણીની આવક સામે 33018 ક્યુસેક પાણી છોડાવામાં આવી રહ્યું છે.
ભાદર ડેમ આસપાસ અને ઉપરવાસમાં વરસાદ પગલે ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા ભાદર ડેમ હેઠળ આવેલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા, નવાગામ, ખંભાલીડા, જેતપુરના મોણપર, ખીરસરા, જેતપુર દેરડી, નવાગઢ રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી, વસાવડા, જામકંડોરણાના તરાવડા, ઈશ્વરીયા, ધોરાજીના વેગડી, ભૂખી, ઉમરકોટ, સહિતના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને લોકોને ડેમની ઓવરફ્લો સાઈડ કે નદી તરફ ન બિનજરૂરી કામ વગર ન જવા અપીલ કરવામાં આવી છે
બીજી તરફ જોઈએ તો ભાદર ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ તેમજ જેતપુરને આવતા ચોમાસા સુધી પીવાનું પાણી આપી શકાશે. જ્યારે 11 હજાર હેક્ટરમાં રવી પાકને 4 થી 5 પાણ આપી શકાશે. ઉલ્લેખનીય છે કે ભાદર ભડ ભાદર એવો આ રસાતાળ ડેમ રાજકોટ ઉપરાંત જેતપુર અને ગોંડલ પંથકમાં પીવાના પાણીની જરૂરિયાતની સાથે ખેતી માટે પણ મુખ્ય આધારસ્તંભ છે. ભાદર ડેમ ભૌગોલિક સ્થિતિએ રકાબી આકારે હોય ભૂસ્તરમાંથી પાણીનો પ્રવાહ ડેમ વિસ્તારમાં કેન્દ્રિત થાય છે. જેના લીધે આસપાસની નદીઓ અહીં ડેમમાં ઠલવાતી હોય છે માટે સિંચાઇમા પણ ભાદર ડેમ આશીર્વાદરૂપ માનવામાં છે.