Gujarat

શોભાયાત્રામાં 12 જ્યોતિર્લિંગની ભસ્મ, ભારતની પવિત્ર નદીઓનું જળ, 4 મઠ, ચાર ધામની માટીના કળશનું પૂજન

નિષ્કલંક તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા ખાતે 24થી 26 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય ત્રિવિધ પાવન મહોત્સવ શોભાયાત્રા,નગર યાત્રા , અખંડ ધૂન ,પુજારીઓ ગંગા સ્વરૂપ મહિલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત દેવાધિદેવ શ્રી નિષ્કલંક મહાદેવ મંદિર માં શિવલિંગ સ્થાપના તેમજ મનોકામના સિદ્ધ શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરાઇ હતી. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સામાજિક સમરસતા અને એકતાના દર્શન થયા હતા. પ્રેરણાપીઠ આસપાસના 32 ગામોમાં શોભાયાત્રા યોજાઇ હતી.

શોભાયાત્રામાં 12 જ્યોતિર્લિંગથી ભસ્મ, ભારતની પવિત્ર નદીઓનું જળ, શંકરાચાર્યના 4 મઠ, ચાર ધામ અને ભારતભરનાં પવિત્ર યાત્રાધામોમાંથી આવેલી માટીના કળશ પૂજન દર્શન માટે મૂકવામાં આવ્યા હતાં. ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ શોભાયાત્રાના પૂજન દર્શન નો લાભ લીધો હતો. મુષ્ઠીધાન યોજના વિધિમાં ગામના દરેક ઘરમાંથી એક એક મુઠ્ઠી અનાજ ભગવાનના ધાન્યવાસ માટે શ્રદ્ધાળુઓએ આપી હતી. ધાન્યાવાસના ચોખામાંથી યજ્ઞ દેવતાની ખીર અને ધાન્યાવાસના ઘઉંમાંથી સુખડી બનાવી ગામમાં દરેક પરિવાર સુધી પહોંચાડવામાં આવી હતી.

2 દિવસ સુધી સતત અખંડ ધૂન પણ કરવામાં આવી હતી. પ્રતિષ્ઠા પર્વ નિમિત્તે પ.પૂ.સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજીએ આ પ્રસંગે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને અંધશ્રધ્ધાથી દૂર રહેવા અને વ્યસન મુક્ત ગામ બનાવવા માટે સંકલ્પો પણ લેવડાવ્યા હતા. શ્રી સંજીવની કથા સુંદરકાંડ સેવા સમિતિ અમદાવાદના પંડિત અનિલ પરાસરજી મહારાજ દ્વારા સુંદરકાંડના પાઠ કરાયા હતા. આસપાસ ગામની ગંગાસ્વરૂપ માતાઓ બહેનોનું તથા પ્રભુ આશ્રિત પરિવારોને સહાયતા રૂપ તુલસીપત્રનો છોડ અને 15 કિલોની જીવન-નિર્વાહ સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

700થી વધુ માતા અને બહેનોનું સાલ ઓઢાડી ધર્માચાર્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે RSSની ભગીની સંસ્થા રાષ્ટ્રિય સેવિકા સમિતિના ગુજરાત પ્રાંતના અગ્રણી શૈલજા તાઈ પણ વિશેષ ઉપસ્થિત રહી માતાઓ બહેનોને નવી પેઢીને વ્યસન મુક્ત રાખવાના શપથ લેવડાવ્યા હતા. તથા પરિવારની એકતાનું મહત્ત્વ સમજાવી પરિવારને એક રાખવા માટે સક્રિય ભાગ ભજવવાની સમજ આપી હતી.

transfar_app_170904028165dde29931fe7_img-20240227-wa0066.webp