“બસ આ પ્રદિપ્ત થતી પત્રકારત્વની ચેતના થકી પથ દર્શન થતું રહે, એ જ પ્રેરણા બિંદુ જગતને અહર્નિશ તેજોમય કરે.”
સાંપ્રત સમયમાં જ્યારે સત્તા પક્ષની વાહવાહીના વાતાવરણ વચ્ચે સત્તાધીશોને પણ આકરા સવાલ પૂછી લોકસમસ્યાનાં નિવારણ માટે ખરા હ્રદયથી પ્રયાસ કરનાર દેવાંશીબેન ખરેખર પત્રકારજગત માટે એક દિવાદાંડી રૂપ ભૂમિકા ભજવતાં જોવા મળે છે. પત્રકારત્વ ક્ષેત્રે પા પા પગલી પાડતાં અનેક નવલોહિયો યુવા જગતને પત્રકારત્વનો સાચો મર્મ સમજાવતાં પત્રકાર જગતને એક નવી દિશા આપવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે.
આજે વિરોધ પક્ષ પણ પૂરા જોશથી લોકસમસ્યા માટે અવાજ નથી ઉઠાવતાં એવું લાગે છે ત્યારે દેવાંશીબેન ખૂબ જ શાલીન શબ્દોમાં સત્તાધીશોને સવાલની વણઝાર દ્વારા પરસેવો વાળી દેતાં જોવા મળે છે.તેમનો નિરક્ષીરનો વિવેક પણ ગજબનો જોવા મળે છે. કોઈ પણ સમસ્યાનો મુદ્દો ઉઠાવતાં પહેલાં તેનો ગહન અને તલસ્પર્શી અભ્યાસ પણ કરે છે.
એટલે તેમણે ઉઠાવેલ કોઈ પણ મુદ્દે એક અનોખી સોડમ હોય છે. આજના મિડિયા ક્ષેત્રે જ્યારે સ્વતંત્ર અવાજ ઉઠાવવો હોય તો પોતાની સ્વતંત્રપૃષ્ઠ ભૂમિ સાથે સ્વતંત્ર માધ્યમ હોવું પણ ખૂબ જરૂરી છે એવો અહેસાસ થતાં તેમણે પોતાની જમાવટ નામથી સોશ્યલ મિડિયા ક્ષેત્રે ન્યૂઝ પ્લેટફોર્મ ચેનલો પ્રારંભ કર્યો અને હાલ એ જમાવટ નામની સોશ્યલ મિડિયા ન્યૂઝ પ્લેટફોર્મ ઉપર લાખો લોકોનું માનીતું બની ચૂક્યું છે. આ ચેનલમાં એક આમ આદમીને પણ પોતાને કોઈ સમસ્યા હોય તો તેનું સવેળા નિવારણ કરવા માટે સંનિષ્ઠ પ્રયાસો થાય છે.
દેવાંશીબેન જોષી દ્વારા પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે તમામ કોશિશો આ સમસ્યા નિવારણ પાછળ કરવામાં આવી રહી છે. અને એટલે જ સાંપ્રત પત્રકારત્વને એક નવી કેડી અને દિશા સાથે એક અનોખી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
લોકોમાં મિડિયા ક્ષેત્રે ડગમગતા વિશ્ર્વાસને પુનઃ પ્રાણ ફૂકી ચેતન વંતુ કરવામાં તેમનું મહત્ત્વનું યોગદાન જોવા મળે છે. અને તેના આવા વલણથી અન્ય પત્રકારોમાં પણ અનોખી ચેતના પ્રાપ્ત થતી જોવા મળે છે. તેમના જન્મદિવસ નિમિત્તે ઈશ્ર્વર તેમને દીર્ઘાયુ તંદુરસ્ત જીવન અર્પે તેમજ જીવનમાં સર્વોત્તમ શિખરો સર કરી તટસ્થ અને આદર્શ પત્રકારત્વની એક અનોખી મિસાલ સ્થાપિત કરે એવી
અભિલાષા સહ.
–અહેવાલ પ્રિયંક પાંધી સાવરકુંડલા
પ્રિયંક પાંધી

