Gujarat

શ્રી હડીયાણા કન્યા શાળામાં બેગ લેસ ડે ની ઉજવણી

સરકારશ્રીના આદેશાનુસાર વર્ષ 2024-25 દરમિયાન શાળામાં પ્રિ વોકેશનલ એજ્યુકેશન અંતરગર્ત શાળાઓમાં 10 દિવસ બેગ લેસ ડે ની ઉજવણી કરી વિવિધ કાર્યક્રમો યોજવાના રહે છે. જે અનુસાર આજ રોજ આચાર્યશ્રી અરવિંદભાઇ મકવાણાના માર્ગદર્શન હેઠળ બીજા બેગ લેસ ડે નિમિતે શ્રી હડીયાણા કન્યા શાળામાં પ્રત્યેક શિક્ષણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે હડીયાણા અને હડીયાણા ગામની આસપાસ આવેલા પ્રાચીન, ઐતિહાસિક તથા મહત્વના સ્થળો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, કારીગરો વગેરેની શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા શૈક્ષણિક મુલાકાત રાખવામાં આવી હતી. 
જે અનુસાર શાળાની વિદ્યાર્થીની બહેનોએ આજે સ્થાનિક કારીગરો જેવા કે કુંભાર, લુહાર, સુથાર, દરજી, પશુપાલકો, ખેડૂતો વગેરેની પ્રત્યક્ષ મુલાકાત લઈ આ કારીગરો દ્વારા વાપરવામાં આવતા વિવિધ ઓજારોની સમજ મેળવી હતી તથા તેમની કામની પદ્ધતિઓ અંગે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, ઈ ગ્રામ સેન્ટર, દૂધ સહકારી મંડળી, કિસાન મોલ, સેવા સહકારી મંડળી વગેરેની પણ આજે પ્રત્યક્ષ મુલાકાત લઈ તેમની કામગીરીની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.
શ્રી હડીયાણા કન્યા શાળાની વિદ્યાર્થીની બહેનોએ આજે હડીયાણા ગામની નજીક આવેલ પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની પણ મુલાકાત લઇ તેનો ઇતિહાસ જાણ્યો હતો. ઉપરાંત હડીયાણા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ આજે વિદ્યાર્થીની બહેનો દ્વારા મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની વિગતવાર માહિતી મેળવી. ઉપરાંત સરકારશ્રીની વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ અંગે પણ સમજ કેળવી હતી. શાળાની વિદ્યાર્થીની બહેનોએ પોસ્ટ ઓફિસની પ્રત્યક્ષ મુલાકાત લઇ પોસ્ટ ઓફિસની પદ્ધતિઓનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવ્યો હતો. ઉપરાંત પોસ્ટ ઓફિસમાં બચત ખાતું કઈ રીતે ખોલવું?
આપણા ખાતામાંથી પૈસા કઈ રીતે ઉપાડવા, કઈ રીતે જમા કરવા, ટપાલ કઈ રીતે પોસ્ટ કરવી, ટપાલ ટિકિટો, મનિઓર્ડર કઈ રીતે મોકલવું વગેરે અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી. ઉપરાંત સરકારશ્રીની સુકન્યા સમૃધ્ધિ યોજના અંગે પણ આજે વિગતવાર માહિતી મેળવી હતી. હડીયાણા ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈ સરકારશ્રી દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે પણ વિગતવાર માહિતી બાળકોએ મેળવી હતી. આમ આજરોજ શાળામાં ભાર વિનાના ભણતરને સાર્થક કરતો પ્રત્યેક શિક્ષણ અને શૈક્ષણિક મુલાકાતનો કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો હતો.
રિપોર્ટર=શરદ એમ.રાવલ