શ્રી સ્વામિનારાયણ બી.એડ્.કૉલેજ બોટાદમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ બોટાદનાં મનભાવન પરિસરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ બી.એડ્.કૉલેજ બોટાદનાં આંગણે *‘ વિશ્વ માતૃભાષા દિવસ’* અંતર્ગત *“વતનને વિશ્વથી જોડતી, માતૃભાષા ગુજરાતી”** પ્રકલ્પનાં સંયોજક પ્રા. વૈશાલીબેન દવેએ મહેમાનોની સ્વાગતવિધિ સાથે જ કાર્યક્રમની રંગારંગ શરૂઆત થઈ. સંસ્થાનાં ટ્રસ્ટીશ્રી સ્વામી માધવસ્વરૂપદાસજીએ ઉપસ્થિત રહી પ્રાસંગિક વક્તવ્ય આપી તાલીમાર્થીઓનાં ઉત્સાહમાં વધારો કર્યો. ત્યારબાદ તાલીમાર્થીઓ દ્વારા ગીત-ગઝલ-શાયરી-લોકગીત-વક્તવ્ય રૂપે માતૃભાષા પ્રત્યેનો ભાવ અભિવ્યક્ત કરવામાં આવ્યો. “વતનને વિશ્વથી જોડતી, માતૃભાષા ગુજરાતી” પ્રકલ્પને ચરિતાર્થ કરવાં માટે ન્યૂયોર્ક (અમેરિકા)થી પધારેલા વશિષ્ઠ નાગરિક એવોર્ડ પુરસ્કૃત શ્રી મનુભાઈ પટેલ( કવિ અવધૂત ) દ્વારા પોતાના અલગારી મિજાજથી વતનની ધૂળથી રગદોળાયેલી કાવ્ય રચનાઓ રજૂ કરી બધાને ભાવવિભોર કરી દીધા.ત્યાર બાદ ‘ન્યૂઝ ઓફ ગાંધીનગર’નાં તંત્રી શ્રી પ્રદીપભાઈ રાવલ સાહેબે વાંચન દ્વારા માતૃભાષા સંવર્ધન વિષય પર પ્રેરક વક્તવ્ય આપી તાલીમાર્થીઓ પર અમીટ છાપ છોડી. બોટાદનાં યુવા ગઝલકાર શ્રી ગોપાલભાઈ ચૌહાણ (ગુઝારીશ)ની ગઝલો દાદ મેળવી ગઈ તો શ્રીલાલજીભાઈ પારેખની હાસ્યસભર રચનાઓથી માતૃભાષા પણ મલકી ઉઠી. માતૃભાષા શિક્ષક શ્રી ભાવેશભાઈ પરમારનાં બાળગીત ભાવિ શિક્ષકોને બાળમનને કેમ જીતવું એ શીખવી ગયાં. અંતમાં બી.એડ્. પરિવારનાં આચાર્યશ્રી અશ્વિનભાઈ મેઘાણીએ માતૃભાષાનાં ઉજ્જવળ ભાવિની કામના કરવા પધારેલા તમામનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો.