આપના કાર્યકરોએ હોબાળો મચાવતા મામલો બહાર આવ્યો
નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત એક ભંગારના ગોડાઉનમાંથી વિધ્યાર્થીઓને આપવાની સાયકલોનો જથ્થો મળી આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગતો મુજબ સરસ્વતી સાધના યોજના હેઠળ જિલ્લા અને તાલુકા સ્તરની શાળાઓને સાયકલો અપાતી હોય છે,અને જરૂરીયાતવાળા ગરીબ વિદ્યાર્થીનીઓને એ સાયક્લો આપવાની હોય છે.
પરંતુ રાજપીપળા ખાતેના એક ભંગારના ગોડાઉનમાં સરસ્વતિ સાધના યોજનાની સાયક્લોનો મોટો જથ્થો પહોચી જવાનો મામલો બહાર આવતા આ બાબતે અનેક સવાલો ઊભા થયા છે. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખને લોકોએ આ બાબતે ફરિયાદ કરતા તપાસ કરાતા રાજપીપળાના એક ભંગારીનાં ગોડાઉનમાંથી ૨૦ જેટલી સાયકલો મળી આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ભંગારના ગોડાઉનમાંથી સાયકલો મળી આવતા હોબાળો મચ્યાં બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે ત્યારબાદ પોલીસે ભંગારના ગોડાઉન પર પહોંચીને તપાસ હાથ ધરી હતી,અને સરકારી યોજનાની આ સાયકલો કઈ શાળાની છે તેમજ આ સાયકલો કોણે ભંગારમાં આપી અને કોની સૂચનાથી આપવામાં આવી એ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પ્રાથમિક ધોરણે માલુમ પડ્યું હતું.