Gujarat

ઝનાના હોસ્પિટલમાં ચાંદીપુરા શંકાસ્પદ 7 મહિનાની બાળકીનું મોત, અમરેલીનાં 4 વર્ષના બાળકને સારવારમાં ખસેડાયો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ ચાંદીપુરાનાં શંકાસ્પદ દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ઝનાના હોસ્પિટલમાં ચાંદીપુરા શંકાસ્પદ 7 મહિનાની બાળકીનો રિપોર્ટ આવે તે પહેલા મોત નીપજ્યું છે. જેને લઈ પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

જ્યારે અમરેલીનાં 4 વર્ષના બાળકમાં પણ ચાંદીપુરાનાં લક્ષણો જોવા મળતા તેના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલી તેને સારવારમાં ખસેડાયો છે.

સિવિલ હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડિનેટર ડો. હેતલ ક્યાડાનાં જણાવ્યા મુજબ, થોડા દિવસ પૂર્વે પડધરીનાં તરઘડિયા ગામે રહેતી 7 મહિનાની બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તેના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જો કે, તેનો રિપોર્ટ આવે તે પહેલાં જ ગઈકાલે રાત્રે સારવારમાં રહેલી આ બાળકીનું મોત નિપજ્યું હતું.