Gujarat

રેતી માફિયાઓ સામે છોટાઉદેપુર નગરપાલિકાએ લાલ આખ કરી

છોટાઉદેપુર નગરપાલિકા એ ઓરસંગ નદીમાં રેતી ખનન થતું અટકાવવા માટે નદીમાં રસ્તા ખોદી નાખ્યા હતા.
છોટાઉદેપુર નગર સહીત સમગ્ર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. જ્યાં લીઝો ફાળવેલી નથી, ત્યાં ગેરકાયદેસર ટ્રેક્ટર દ્વારા રાત્રીના સમયે બેફામ રેતી ભરાઈને બહાર જાય છે. જે જગ્યા પર છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા રસ્તા ખોદી નાખ્યા હતા. ઓરસંગ નદીમાં વોટર વર્કસ ની આસપાસ ગેરકાયદેસર રેતી ખનનને કારણે પાણીના સ્તર ઊંડા ઊતરી ગયા છે. જ્યારે પ્રજાને પૂરતું પાણી મળતું નથી. અને બહારથી પાણી વેચાતું મંગાવવાનો વારો આવ્યો છે. જેને લઇને છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા રેતી ખનનથી થતું નુકસાનને અટકાવવા માટે રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. અને નગરપાલિકાએ રેતી માફિયાઓ સામે લાલ આંખ કરી છે.જેને લઇને રેતી માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
આ અંગે છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડે જણાવ્યું છે કે છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ 35,000 જેટલી વસ્તી છે.અને છોટાઉદેપુર નગરપાલિકામાં બે વોટર વર્ક્સ આવેલા છે. છોટાઉદેપુર નગરપાલિકાની અંદર બે વોટર વર્ક્સ માંથી એક ફતેપુરા વોટર વર્કસ છે. તેમજ બીજું વારીગૃહ વોટર વર્ક્સ છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી વારીગૃહ વોટર વર્ક્સમાં ડેમેજ થઈ ગયું છે. તેમજ આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેતી ખનન પણ થતું હતું. અને રેતી ખનન થવાના કારણે અને ટ્રેક્ટરના ટાયરોના લીધે આ ચેનલ ની અંદર વધારે લીકેજ થયું હોવાનું જણાય આવેલ હતું. જેને રોકવા માટે છોટાઉદેપુર નગરપાલિકાએ જે ટ્રેક્ટરનો રસ્તો છે. ત્યાં જીસીબી દ્વારા ખોદકામ કરાવી દીધું છે. તેમજ આવનારા દિવસોમાં પાલિકા દ્વારા આ ચેનલને રીપેરીંગ કરવાનું કામ પણ થશે. એમ નગર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે.