Gujarat

જલંધર (ગીર) ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વાડીના ખાતમુહૂર્તનો રંગારંગ કાર્યક્રમ સંપન્ન

જલંધર (ગીર) ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વાડીના ખાતમુહૂર્તનો રંગારંગ કાર્યક્રમ સંપન્ન
(ક્રાંતિકારી સંત પૂ.મુક્તાનંદબાપુ તથા જુનાગઢ એસ.પી. હર્ષદ મહેતાના પ્રેરક પ્રવચનો)

માળીયા હાટીના તાલુકાના જલંધર (ગીર) ગામે તા.૨૫-૫-૨૦૨૪ ના રોજ બળબળતા ઉનાળે બપોરના ૨:૧૫ કલાકે નિશ્ચિત સમયે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂ.મુક્તાનંદબાપુનું આગમન થતાં ગ્રામ વાસીઓએ ઢોલ શરણાઈના નાદ સાથે સ્વાગત કરેલ. કળશધારી કુમારીકાઓએ પૂ.બાપુને કુમકુમ તિલક કરી પુષ્પવૃષ્ટિ કરી આવકારેલ.
સામૈયા દરમ્યાન અસહ્ય દઝાડતી લુમાં આયોજકોએ ગલી, રસ્તાઓ પર હેન્ડ પંપ પાણીના ફૂવારાની વ્યવસ્થાઓ ગોઠવેલ. બાદ પૂ.બાપુ તથા સંતવૃંદ કાર્યક્રમ સ્થળ ઉપર પધારેલ. પંચકુંડી યજ્ઞ નારાયણના દર્શન કરી બાપુના વરદ હસ્તે બીડુ હોમવામાં આવેલ. અને નિશ્ચિત જગ્યા ઉપર જઈ ભૂદેવોના શાસ્ત્રોકત અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન કરી જ્ઞાતિ વંડીના પાયાનું શુભ મુહૂર્ત કરેલ. બાદ આયોજકોએ પૂ.બાપુને શાલ ઓઢાડી પુષ્પમાળા પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત સંતવૃંદ તેમજ આમંત્રિત મહેમાનો અને શ્રોતાજનો ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી. જ્ઞાતિના કારોબારી સભ્યોએ સાથે મળી પૂ.બાપુને મોમેન્ટ રૂપે ભાવવંદના તસ્વીર અર્પણ કરેલ.
આજના અવસરે ઉપસ્થિત સંતો, જ્ઞાતિબંધુઓ, રાજકીય અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો અને શ્રોતાજનોનું આયોજક વતી જ્ઞાતિ અગ્રણી મણિશંકરભાઈ મહેતાએ ખરા હૃદયથી શાબ્દિક સ્વાગત કરેલ અને આજના મહોત્સવમાં જ્ઞાતિ બંધુઓએ આપેલ સેવાઓને બિરદાવેલ. આગળ સોનલ બહેન ભરાડે સ્વરચિત પ્રાર્થનારૂપી કવિતા સંભળાવેલ. ચાપરડા આનંદધારા પ્રોજેક્ટના પ્રતિનિધિ ભાનુભાઈ જોશી એ શોર્ટ એન્ડ સ્વીટમાં પૂ.બાપુનો સેવા વિસ્તાર ક્યાં અને કેટલો પથરાયેલો છે, તેની વિસ્તૃત છણાવટ કરી.બાદ આમંત્રિતો જોશીબાપા (જેતપુર), બંકિમભાઈ, રતિદાદા (ચલાલા) ગીરીશભાઈ પરમાર, કૈલાસબેન વેગડા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પૂ.જયંતિરામબાપુ (ઘુનડા) એ આજના મંગલકારી કાર્યને બિરદાવેલ.
જુનાગઢ એસ.પી. હર્ષદ મહેતાએ પોતાના હેપી બર્થ ડે ની પૂર્વ સંધ્યાએ પૂ.બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરી નવયુવાન ભાઈ, બહેનોને ધ્યાનમાં રાખી વ્યક્તિગત અને સમાજલક્ષી ખૂબ સુંદર વિચારો સાથે પોતાના અભિગમો રજૂ કર્યા. જેમ કે માનવજાત ક્રાંતિકારી વિકાસથી વર્તમાન માહિતી કોઈપણ જગ્યાએથી આસાનીથી મેળવી શકે છે. આજના ટેકનોલોજીના ફાયદા, ગેરફાયદાઓની વાતો જણાવી આજનું યુવાધન નશીલા પદાર્થોના સેવન તરફ વળેલ છે. તે માટે ક્યાંક ને ક્યાંક મા- બાપ જિમ્મેદાર છે. કારણ તેની મૂંઝવણ, લાગણીઓ, સમસ્યાઓ, સંસ્કારના ઉછેર બાબતે આપણે ક્યાંક ઉણા ઉતરીએ છીએ. બાળ ઉછેરમાં સંસ્કારો બાબતે આપણે હંમેશા જાગૃત રહેવું પડશે. જો ભાવિ પેઢીને હકારાત્મક દિશા નહીં મળે તો તે શોર્ટકટ રાહ અપનાવશે. જે દુષ્કર્મ પરિણામ લાવશે. બાળકોમાં સંસ્કારો દ્રઢ બનશે તો તેને કોઈ ચલિત કરી શકશે નહીં. કોમ્યુનેશન અને જનરેશન ગેપ વચ્ચે બેલેન્સ જાળવવાનું છે. માળાના મણકાઓની જેમ જોડાયેલા રહેશે તો સુંદર પરિણામ આવશે. તદુપરાંત દીકરીઓના ઉછેર બાબતે પણ સંસ્કારોથી ભરેલી સારી એવી ટીપ્સ આપેલી. જેની વ્યવહારુ જીવનમાં ખૂબ જ આવશ્યકતા છે.
પૂ.મુક્તાનંદ બાપુના આશીર્વચનો… સૌ પ્રથમ પૂ. બાપુએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો. કારણ સમાજલક્ષી સુવિધા તૈયાર થઈ રહી છે. માનવજાતનો સુંદર વિચાર, સમાજવાડી એ સમાજના વિકાસનું કેન્દ્ર બને તેવા પ્રયત્નો કરવા. ગામની સંગઠનની ભાવનાને બિરદાવી. ‘સંઘ શક્તિ કલિયુગે’ સમસ્યાઓ હોય તેનું નિરાકરણ સંગઠિત સમાજ કરે. નારી તું નારાયણી. જે સમાજમાં સ્ત્રીઓના આદર હશે તે સમાજ વિકસિત હશે. ઇશ્વરે આપેલ ઊર્જાનો સદુપયોગ કરવો. ધન, સંપત્તિ સાથે સુવિધાઓનો હરણફાળ વિકાસ છે. ઈશ્વર ચરાચર છે, આપણો રક્ષક છે. યુવાનો પાસે તંદુરસ્ત શરીર, વૈચારિક તંદુરસ્તી (તાકાત), શ્રમ, નિયમ, પૌષ્ટિક આહાર, પ્રકૃતિના વાતાવરણ વચ્ચે ચોકસાઈથી અને ટાઈમ ટેબલ પ્રમાણે કરેલું કામ સફળતાના શિખરો સર કરે છે. સ્વામી વિવેકાનંદ, ગુરુ રામદાસ આપણા આદર્શ છે. વ્યક્તિ કરતા સમાજ મોટો છે. વર્તમાનને જોવો, ભવિષ્ય ઉપર નજર રાખો, વડીલોને સન્માન આપો, મા-બાપ તીર્થ છે. પશુ, પંખી, પ્રાણીઓ પ્રત્યે સદભાવના દાખવો. સમૂહમાં કાર્ય કરો, વ્યક્તિગત કાર્યમાં અહંકાર આવે છે. હંમેશા નિખાલસ થવું એટલે સમાજ મદદ કરશે. સંવેદના વિનાની વ્યક્તિ ભુંજેલા ચણા જેવી છે. સંત શૂન્યમાંથી સર્જન કેમ થાય તે બતાવે છે. પ્રકૃતિ સર્વોપરી છે.બૌદ્ધિક અને આધ્યાત્મિક બંને પ્રકારની સમૃદ્ધિ હોવી જોઈએ કોઈપણ સમૂહ સમાજ કાર્ય માટે મળે ત્યારે વિચાર ઉત્પન્ન થાય તેને માન્યતા મળે અને તુર્તજ અમલવારી થાય એટલે વિચાર સહકાર બને છે. આમ ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો દ્વારા આશીર્વચનો પાઠવેલ.
કાર્યક્રમમાં જ્ઞાતિ અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો, રાજકીય અગ્રણીઓ, પત્રકાર મિત્રો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ, વડીલો, માતાઓ, બહેનો,બાલદેવો ઉપસ્થિત રહેલ. અંતમાં કમિટી મેમ્બર અનિલભાઈ દવે એ આભાર વ્યક્ત કરેલ. સાંજના ભોજન પ્રસાદ બાદ સૌ વિખુટા પડેલ. રાત્રી સેશનમાં કાનગોપીના કલાકારોએ કૃષ્ણ રાસલીલા રજૂ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સેવા સમાજના પ્રમુખ મહેશભાઈ મહેતા મંત્રી રજનીકાંતભાઈ ભરાડ અને તેમની સમગ્ર ટીમ એ સારી એવી જહેમત ઉઠાવેલ.

રિપોર્ટ સી. વી જોશી વિસાવદર

IMG-20240526-WA0025-0.jpg IMG-20240526-WA0024-1.jpg