Gujarat

સાવરકુંડલાની લબ્ધપ્રતિષ્ઠ અંગ્રેજી માધ્યમની સેંટ થોમસ સ્કૂલ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો

વિશ્ર્વ ચકલી દિવસના મંગલ દિવસે વિશ્ર્વ ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા અહીં મહુવા રોડ પર આવેલા શહેરની અંગ્રેજી માધ્યમની લબ્ધપ્રતિષ્ઠિત સેંટ થોમસ સ્કૂલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. સેમિનારના પ્રારંભમાં આ શાળાના આચાર્ય થોમસ સર દ્વારા ઉપસ્થિત વકતાઓનો પ્રાથમિક પરિચય આપ્યો. ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા ઉપસ્થિત તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના સક્રિય સભ્ય અને સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત તલસ્પર્શી માહિતી ખૂબજ ફ્રેન્ડલી માહોલમાં આપી હતી. ત્યારબાદ ગ્રાહક સુરક્ષા મંડળના હર્ષદભાઈ જોશી દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની થીમ આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ વિશે પણ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સવિસ્તર સમજ આપી હતી. ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા પ્રમુખ રમેશભાઈ હીરાણી દ્વારા ગ્રાહક સુરક્ષા અધિનિયમની વિગતે વાત કરી આ કાયદાનું મહત્ત્વ સમજાવ્યું હતું. અંતમાં વિદ્યાર્થીઓ સાથે ગ્રાહક સુરક્ષા કાયદા સંદર્ભે વિવિધ પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ધીમેધીમે પોતાને મૂંઝવતા સવાલોના નિવારણ માટે માર્ગદર્શન માગ્યું હતું કાર્યક્રમને અંતે આભાર વિધિ શાળાના શિક્ષિકા મેડમ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતી દર્શાવતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ પત્રિકાનું અધ્યયન કરી ગ્રાહક સુરક્ષા કાયદાને સવિસ્તર સમજી તેમનો તેમના રોજબરોજના જીવનમાં ઉપયોગ કરવાની અપીલ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં શાળાના પ્રિન્સિપાલ થોમસ સર દ્વારા આતિથ્ય સત્કાર રૂપે કોફી ઓફર કરી આ સંસ્થામાં સેમિનાર યોજવા બદલ આભારની લાગણી પ્રદર્શિત કરી હતી