છોડમાં રણછોડની વાત આપણી સંસ્કૃતિમાં પ્રચલિત છે. આપણા શાસ્ત્રો-ધર્મગ્રંથોમાં પ્રકૃતિના સંરક્ષણની વાત કરવા આવી છે. ઋષિમુનિઓ ઇકોલોજિકલ બેલેન્સના મહાત્મ્યને અદભુત રીતે સમજતા હતા અને એટલે જ દરેક ફળ, ફૂલ, છોડ, વૃક્ષ, નદી, પર્વત, સાગર અને પશુ-પંખીનું ધાર્મિક અને સામાજિક મહત્વ હતું. વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે.
હાલમાં સમગ્ર વિશ્વ માટે આબોહવાકિય પરિવર્તનનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ મહત્તમ વૃક્ષો ઉછેરી, પર્યાવરણીય સમતુલા જાળવાઇ તે સુનિશ્ચિત કરવાનો છે. પૃથ્વીને હરીયાળી બનાવવા તથા પ્રકૃત્તિના જતન માટે વનો અને વૃક્ષોનું સંવર્ધન કરવું ખૂબ જ આવશ્યક છે.
આ પવિત્ર હેતુ માટે રાજ્યમાં દર વર્ષે ‘વનો અને વૃક્ષોના ઉત્સવ’ એટલે કે ‘વન મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં વર્ષ 2004માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી તા.8-8ના રોજ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિધ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘75મો વન મહોત્સવ’ યોજાશે અને 23માં સાંસ્કૃતિક વન ‘‘હરસિધ્ધિ વન’’નું લોકાર્પણ કરશે.
સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ‘સૌરાષ્ટ્રની સુગંધ’ થીમ સાથે સાંસ્કૃતિક “હરસિધ્ધિ વન”માં નવા અભિગમ સાથે પ્રવાસીઓને અનેક આકર્ષણો જોવા મળશે.

