સાણંદના ડરણ ગામના રોડ રસ્તા પર 9 દિવસ બાદ પણ પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ટુ વ્હીલર ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ સાણંદ બાવળા હાઇવે પર આવેલું સાણંદ તાલુકાનું ડરણ ગામમાં આશરે 5 હજારની વસ્તી ધરાવતું ગામ છે. છેલ્લા એક અઠવાડીયાથી સાણંદ બાવળા રોડ થી ગામના તરફના રસ્તા પર તેમજ ખેતરોમાં વરસાદી પાણી સાથે ઉપરવાસના પાણીનો ભરાવો થયો છે.
પરિવહન માટે મુખ્ય ગણાતા રસ્તા પર પાણીનો ભરાવો રહેતા ખેડૂતો,રાહદારી સહિત ગ્રામજનોને પરિવહન કરવામાં ભારે હાલાકી પડી રહી છે. તેમજ બાવળા તરફ જવા માટે ઢેઢાળ વાસણા ગામ તરફનો માર્ગ પર પણ પાણીનો ભરાવો થવા પામ્યો છે.
ટુ વહીલર ચાલકો તેમજ ગામના લોકોને પાણીમાંથી જીવના જોખમે પરિવહન કરતાં હોવાના કારણે ભારે હાલાકી પડી રહી છે. ડરણ ગામના સરપંચ છનાભાઇ કુવરાભાઇ સોલંકી અને તલાટીએ કહ્યું કે હાલ ગામમાં પાણી નથી ભરાયા, પરંતુ ગામ બહારના રસ્તા પર વરસાદી પાણી સાથે ઉપરવાસના પાણી ભરાયા છે જેનો નિકાલ કરાવા કામગીરી કરાઇ છે.
વરસાદ દરમ્યાન ગામમાં આશરે 9 કાચા મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. જો કે મકાન પડવાવની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.