Gujarat

પશ્ચિમી સંસ્કૃતિને જાકારો : ઓલપાડનાં અંભેટા ગામનાં બીએપીએસ પરિવાર દ્વારા દીકરીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો

સાત દીપજ્યોત પ્રગટાવીને સાત સંસ્કારૂપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
ઓલપાડ તાલુકાનાં અંભેટા ગામે બી.એ.પી.એસ.નાં અનુયાયી પરિવારની દીકરી સ્તુતિનાં પ્રથમ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાનો નોંધનીય પ્રસંગ પ્રકાશમાં આવેલ છે.
મળતી માહિતી મુજબ દીકરીનાં માવતર એવાં વિજયભાઈ પટેલ અને અંકિતાબેન પટેલે પોતાની વ્હાલસોયીનાં જન્મદિવસે પશ્વિમી સંસ્કૃતિનું અનુકરણ ન કરતાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રાગટ્ય કરી બિનપરંપરાગત ઉજવણી કરી હતી. જે અંતર્ગત દીકરીનાં સાત પારિવારિક ભાઈઓ દ્વારા સંસ્કાર, સવળો અભિગમ, સદગુણ દર્શન, સંતોષ, સંત સમાગમ, સેવા અને શિક્ષણરૂપી સાત સદગુણો પોતાની બહેનનાં જીવનમાં પ્રકાશિત થાય એવાં મંગલમય ભાવ સાથે સાત દીપજ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી.
આ તકે દીકરીનાં દસ વર્ષનાં ભાઈએ ઉપરોક્ત સાત સદગુણો ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરી ઉપસ્થિત મહેમાનોને એક આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપી હતી. આ સાથે તેણે વ્યસનમુક્તિ કાર્યક્રમ રાખી મહેમાનોને વ્યસન એક દૂષણ વિશે સમજાવી વ્યસનમુક્ત કરવાનું સરાહનીય કાર્ય કરી બહેનનાં જન્મદિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક બનાવી હતી.