Gujarat

કોસંબામાં નવો કોન્ક્રીટ રોડ બને તે પહેલા નવી ગટર લાઇન બનાવવા માટે માગણી

કોસંબા તરસાડીના મધ્યથી પસાર થતાં તાલુકા પંચાયત હસ્તકના મુખ્ય માર્ગને નવીનીકરણનું કામ કરોડોના ખર્ચે હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આ માર્ગના પૂર્વ ભાગમાં કોસંબા ગ્રામ પંચાયતની હદમાં લાગતા વિસ્તારમાંથી ઘર વપરાશના ગંદા પાણીના નિકાલ માટે નાખવામાં આવેલી ગટર લાઈન ઘણી જૂની અને જર્જરિત બની છે.

હાલ જ્યારે રોડનું નવીનીકરણ થવાનું હોય તે પહેલા કોસંબા ગ્રામ પંચાયત જૂની ગટર લાઈનના સ્થાને નવી ગટર લાઈન બને તે જરૂરી છે.

તરસાડી કોસંબાના મધ્યથી પસાર થતો મુખ્ય માર્ગને સાતથી આઠ વર્ષ પહેલાં સિમેન્ટ કોન્ક્રીટ નો બનાવવામાં આવ્યો હતો આ માર્ગ જર્જરીત બનતા અને માર્ગના મધ્યમાં આવેલી પાણી નિકાલની ગટર લાઈન ચોક થતા હાલ ચાર કરોડથી વધુના ખર્ચે આ માર્ગને નવી ગટર લાઈન સાથે તેનું નવીનીકરણ કરવાની તંત્ર કરી રહ્યું છે

જેના ભાગરૂપે હાલ રોડના મધ્યમાં વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવાનું ચાલુ છે અને ચોમાસા બાદ આ રોડ ઉપર રી સરફેસિંગ કરી તેનું નવીનીકરણ કરવામાં આવશે. આ પહેલા કોસંબા ગ્રામ પંચાયત હેઠળ આવતા રોડની પૂર્વ તરફના વિસ્તારના ઘર વપરાશના ગંદા પાણી ના નિકાલ માટે કોસંબા ગ્રામ પંચાયત દ્વારા જે વર્ષો જૂની ગટર લાઈન સિમેન્ટ કોન્ક્રીટના રોડની નીચે નાખવામાં આવી છે

તે ગટર લાઈન જૂની અને જર્જરીત થઈ ગઈ હોય ઘણા સમયથી છાશવારે ઘણી જગ્યાએ ચોક અપ થવાની ફરિયાદ ઉઠે છે અને ઘણી જગ્યાએ તેના ઢાંકણા પણ તૂટી જાય છે જેથી હવે આ ગટર લાઈનને નવી બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે જ્યારે રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હોય તે પહેલા રોડની નીચે દબાયેલી જૂની ગટર લાઈનના સ્થાને નવી ગટર લાઈન નાખવામાં આવે તો આવનારા વર્ષોમાં ગટર લાઈન ચોક અપ થાય અને તેને રિપેર કરવા નવા બનેલા રોડને તોડવાની નોબત ન આવે તે અંગે અગમચેતીના પગલા ભરી કોસંબા ગ્રામ પંચાયત નવી ગટર લાઇનનુ કામ કરવામાં આવે એવી માંગણી છે.