દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે ભેદી ફળિયામાં ગામમાંથી સ્મશાનમાં જવા માટે સંબંધિત તંત્ર દ્વારા રસ્તો ન બનાવાતાં અંતિમ વિધિ માટે લોકોને નદીના પાણીના પ્રવાહમાંથી સ્મશાન સુધી જવા મજબુર થવું પડી રહ્યું છે.

રસ્તાની રજૂઆત મામલે સંબંધિત તંત્રને ગ્રામજનો દ્વારા અવાર નવાર રજુઆત કરવા છતાંય આજદિન સુધી રસ્તાનું નિર્માણ ન થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે તેમાંય સરકાર દ્વારા ટ્રાયબલ વિસ્તારમાં લોકોની સુખ, સુવિધા માટે લાખો, કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.
દાહોદ જિલ્લામાં પણ સરકાર દ્વારા રસ્તા, પાણી, સ્વચ્છતા વગેરે જેવી લોકોની પ્રાથમીક સુવિધા મળી રહે તે માટે કરોડોની ગ્રાન્ટો ફાળવી છે પરંતુ દાહોદ જિલ્લામાં એવા ઘણા ગામો છે જેમાં લોકોને મળવાપાત્ર પ્રાથમીક સુવિધા પુરી પાડવામાં તંત્ર વામળુ પુરવાર થઈ રહ્યું છે.

