ચારધામ યાત્રા માટે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ખાતે ભક્તોની ભીડ પ્રશાસન માટે સતત પડકાર બની રહી છે. ભારે ભીડને જોતા ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવ્યો છે. અગાઉ આ પ્રતિબંધ 25 મે સુધી લગાવવામાં આવ્યો હતો.
આ સિવાય પ્રશાસને મોબાઈલ ફોન સાથે રાખવાને લઈને એક નવી એડવાઈઝરી પણ જાહેર કરી છે. પ્રશાસને કહ્યું છે કે મંદિરના 50 મીટરની અંદર ભક્તો રીલ અને વીડિયો બનાવી શકશે નહીં.
આ સિવાય સરકારે યાત્રાના ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે ઋષિકેશ અને હરિદ્વારમાં લગાવેલા કાઉન્ટરો પણ ત્રણ દિવસ માટે બંધ કરી દીધા છે. જેથી હવે ભક્તો માત્ર ઓનલાઈન જ રજીસ્ટ્રેશન કરાવી શકશે.
ઉત્તરાખંડ સરકારે છેલ્લા બે દિવસમાં 5 મોટી બેઠકો યોજી છે, પરંતુ યમુનોત્રી અને ગંગોત્રી માર્ગો પર લાંબા ટ્રાફિક માટે કોઈ ઉકેલ મળી રહ્યો નથી. જો કે, એક એવી રાહત છે કે ટ્રાફિકમાં જે સમય બે દિવસ પહેલાં 20 થી 25 કલાક લાગતો હતો તે હવે ઘટી ગયો છે.