Gujarat

90 કિમીની મુસાફરીમાં 3 હજાર વાહન 15 કલાક અટવાયાં

ચારધામ યાત્રાને સુગમ બનાવવા માટે ઉત્તરાખંડ સરકાર છેલ્લા બે દિવસમાં 5 મોટી મીટિંગ કરી ચૂકી છે પણ ગંગોત્રી-યમુનોત્રી રૂટ પર લાંબા ટ્રાફીક જામનું સમાધાન શોધી શકાયું નથી. જો કે એટલી રાહત મળી છે કે બે દિવસ પહેલા ટ્રાફીકમાં 20થી 25 કલાક લાગતા હતા એમાં હવે ઘટાડો થયો છે.

ગુરુવારે દિવસભર ઉત્તરકાશીથી ગંગોત્રીના 99 કિમી અને બરકોટથી યમુનોત્રીના 46 કિમીના રૂટ પર આશરે 3 હજાર ગાડીઓ 12થી 15 કલાક સુધી ટ્રાફીક જામમાં ફસાયેલી રહી હતી. સૌથી વધારે સમસ્યા યમુનોત્રી હાઇવે પરના પાલીગાડ નજીક છે. અહીં 12-12 કલાક સુધી વાહનો રોકાયેલા રહ્યા હતા. રસ્તો સાંકડો છે અને વાહનોની સંખ્યા વધારે છે. તેથી બુધવારે રાત્રે ટ્રાફીક ચાલુ રહ્યો હતો. યાત્રાળુઓએ વધુ એક રાત વાહનોમાં જ વિતાવી હતી.

આ પહેલા ચારધામોમાં વીડિયો શૂટિંગને લઈને ફરિયાદો મળી હતી. તેને લઈને રાજ્ય સરકારે બે આદેશ કર્યા હતા. પહેલા આદેશમાં મંદિરોના 200 મીટરના અંતરમાં વીડિયો શૂટ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

બાદમાં સીએમ પુષ્કરસિંહ ધામીએ સમીક્ષા કરી હતી. પહેલા આદેશના 5 કલાક બાદ નવું ફરમાન આવ્યું જેમાં 200 મીટરનું અંતર ઘટાડીને 50 મીટર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી રાધા રતૂડીએ કહ્યું હતું કે મંદિરમાં મોબાઇલ ફોન લઈને જવાની પાબંદી નથી પણ કોઈને રીલ્સ બનાવવાની મંજૂરી અપાશે નહીં. તેનાથી લોકોની લાગણીને ઠેસ પહોંચતી હતી.

જ્યાં ટ્રાફીક જામ ત્યાં જ ભોજનની વ્યવસ્થા

યમુનોત્રી રૂટ પર ડામટા બેરિયર પર કલાકો સુધી વાહનો કતારમાં હતા. જામમાં લોકો હેરાન ન થાય એટલા માટે ઉત્તરકાશી પ્રશાસને ભોજનના પેકેટ, પાણીની બોટલો વહેંચી હતી. તથા 8 કામચલાઉ શૌચાલય મુકાયા હતા.